MORBI:મોરબી ઘરમાં ચાલતા ગાંજાના કાળા કારોબારનો પર્દાફાશ, SOG પોલીસે મુખ્ય સૂત્રધારને દબોચ્યો

મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) પોલીસે બાતમીના આધારે તાલુકાના રફાળેશ્વર ગામમાં એક રહેણાંક મકાન પર સફળ દરોડો પાડી નશાના ગેરકાયદેસર વેપારનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્થળ પરથી ₹૬૭,૨૫૦ ની કિંમતનો ૧ કિલો ૩૪૫ ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો તથા અન્ય સાધન-સામગ્રી મળી કુલ ₹૭૩,૧૫૦ નો મુદ્દામાલ જપ્ત કરી મુખ્ય આરોપીની ધરપકડ કરી છે.

SOG પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે રફાળેશ્વર ખાતે રહેતો દીપકભાઈ નામનો શખ્સ પોતાના રહેણાંક મકાનમાં ગાંજાનો જથ્થો છુપાવીને તેનું ખાનગીમાં છૂટક વેચાણ કરી રહ્યો છે. આ બાતમીને પગલે પોલીસે પંચો તથા FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) અધિકારીઓની ટીમને સાથે રાખીને મકાન પર ઓચિંતો દરોડો પાડ્યો હતો.
તપાસ દરમિયાન મકાનમાંથી વેચાણ અર્થે રાખેલો ગાંજો મળી આવ્યો હતો. આ ઉપરાંત પોલીસે ગાંજાનું વજન કરવા માટેનો કાંટો, પેકિંગ માટે વપરાતી પ્લાસ્ટિકની કોથળીઓ, એક મોબાઈલ ફોન અને રોકડા ₹૭૦૦ સહિત કુલ ₹૭૩,૧૫૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.પોલીસે સ્થળ પરથી દીપકભાઈની અટકાયત કરી તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ ૮(સી), ૨૦(બી)(૨-બી) અને ૨૯ મુજબ ગુનો નોંધ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં આ જથ્થો પૂરો પાડનાર ઇરફાન સંધી નામનો શખ્સ હોવાનું સામે આવ્યું છે, જે હાલ પોલીસ પકડથી દૂર છે. પોલીસે ફરાર ઇરફાન સંધીને ઝડપી પાડવા માટે શોધખોળ હાથ ધરી છે.











