વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

કર્મચારીઓની માંગણીઓ અંગે સહાનુભૂતિપૂર્વક વિચારણા | EPF, ESIC સહિતના લાભોની ચકાસણીના આદેશ | આવશ્યક સેવાઓ પૂર્વવત્ શરૂ કરવા મનપાની અપીલ
પ્રાપ્ત માહિતી અનુસાર નવસારી મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ હડતાળ પર ઉતરતાં મહાનગરપાલિકા તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. કર્મચારીઓને લઘુત્તમ વેતન સહિતના કાયદેસરના લાભો નિયમોનુસાર મળી રહે તે સુનિશ્ચિત કરવા
નવસારી મનપાના મેયર અશોકભાઈ ધોરાજીયા,મ્યુનિસિપલ કમિશનર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. કર્મચારીઓની માંગણીઓ અને તેમના હકો સંબંધિત મુદ્દાઓની સમીક્ષા કરીને જરૂરી કાર્યવાહી કરવા તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે.
નવસારી મહાનગરપાલિકાના વોટર વર્ક્સ, ડ્રેનેજ, મેઇન્ટેનન્સ સહિતના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ કર્મચારીઓની વેતન અને અન્ય લાભો સંબંધિત રજૂઆતોના પગલે યોજાયેલી આ બેઠકમાં મેયર અશોકભાઈ ધોરાજિયા, મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય (IAS), સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મુકેશ અગ્રવાલ, વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ, નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ તથા સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લઘુત્તમ વેતનથી લઈને PF-ESIC સુધીની સમીક્ષા
બેઠકમાં ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના પ્રવર્તમાન નિયમો અને માર્ગદર્શિકાઓના આધારે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મળતા વેતન અને અન્ય કાયદાકીય લાભોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. કર્મચારીઓને કુશળ, અર્ધકુશળ અને બિનકુશળ વર્ગોમાં વર્ગીકૃત કરીને લાગુ પડતા લઘુત્તમ વેતનના દર મુજબ ચૂકવણી થાય છે કે નહીં તેની ચકાસણી કરવા સૂચના આપવામાં આવી હતી.
આ ઉપરાંત કર્મચારીઓને પ્રોવિડન્ટ ફંડ (EPF), કર્મચારી રાજ્ય વીમા (ESIC), પ્રોફેશનલ ટેક્સ સહિતના લાગુ પડતા કાયદાકીય લાભો નિયમોનુસાર મળે છે કે નહીં તેની પણ તપાસ કરવા જણાવાયું હતું. કોન્ટ્રાક્ટ એજન્સીઓએ સરકારી નિયમો, નિર્ધારિત વેતનધોરણો અને કરારની શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. કર્મચારીઓને તેમના હકના લાભો ન મળતા હોવાની ફરિયાદો હોય તો તેની યોગ્ય તપાસ કરીને જરૂરી કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
પાણી પુરવઠો ખોરવાતાં નાગરિક સેવાઓ અંગે પણ ચિંતા
તા. 12 ઑક્ટોબર, 2026ના રોજ કર્મચારીઓની હડતાળને પગલે નવસારી શહેરના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠાની કામગીરી પ્રભાવિત થઈ હતી. નાગરિકોને પડેલી અસુવિધાને ધ્યાનમાં રાખીને પાણી પુરવઠા સહિતની આવશ્યક સેવાઓ સુચારુ રાખવા માટે જરૂરી પગલાં લેવા વહીવટી તંત્રને સૂચના આપવામાં આવી હતી.
મહાનગરપાલિકાએ સ્પષ્ટતા કરી છે કે તેના કર્મચારીઓને ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા નિર્ધારિત પ્રવર્તમાન લઘુત્તમ વેતનના દરો અનુસાર જ વેતન ચૂકવવામાં આવે છે. સાથે જ કોન્ટ્રાક્ટ કર્મચારીઓના કાયદેસરના હકોનું રક્ષણ, વેતન ચૂકવણીમાં પારદર્શિતા અને શ્રમ કાયદાઓનું પાલન સુનિશ્ચિત કરવા તંત્ર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું છે.
ફરજ પર પરત ફરવા કર્મચારીઓને અપીલ
બીજી તરફ, શહેરના નાગરિકોને પાણી પુરવઠો, ડ્રેનેજ સહિતની આવશ્યક સેવાઓમાં વિક્ષેપ ન પડે તે મહાનગરપાલિકાની પ્રાથમિકતા હોવાનું જણાવી હડતાળમાં જોડાયેલા કર્મચારીઓને તાત્કાલિક ફરજ પર હાજર થઈ કામગીરી શરૂ કરવા અપીલ કરવામાં આવી છે. જો આવશ્યક સેવાઓમાં વિક્ષેપ ચાલુ રહેશે તો સંબંધિત કર્મચારીઓ સામે પ્રવર્તમાન કાયદા, નિયમો અને લાગુ પડતી કરારની શરતો અનુસાર વહીવટી તથા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.
હવે કર્મચારીઓની માંગણીઓ અંગેની સમીક્ષા અને વહીવટી તંત્ર દ્વારા અપાયેલી સૂચનાઓ બાદ હડતાળનો પ્રશ્ન કેવી રીતે ઉકેલાય છે તથા પાણી પુરવઠા સહિતની સેવાઓ ક્યારે સંપૂર્ણપણે પૂર્વવત્ થાય છે તેના પર સૌની નજર રહેશે.







