MORBI:ગાંધીનગર ખાતે ૧૯ ઓક્ટોબરે મોરબી જિલ્લાના યોગ કોચ અને ટ્રેનર્સની અતિ મહત્વપૂર્ણ બેઠક યોજાશે

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલ રાજપુતની અધ્યક્ષતામાં પ્રશ્નોના નિરાકરણ અર્થે રૂબરૂ રજૂઆત માટે આહ્વાન
મોરબી:ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબી જિલ્લાના તમામ યોગ કોચ અને ટ્રેનર્સ માટે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી સોમવાર, તારીખ ૧૯ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માનનીય ચેરમેનશ્રી શીશપાલ રાજપુતની અધ્યક્ષતામાં આ પ્રત્યક્ષ (રૂબરૂ) મીટિંગ યોજાશે.
આ બેઠક સંદર્ભે સ્ટેટ કો-ઓર્ડિનેટર શ્રી અનિલભાઈ ત્રિવેદી અને ઝોનલ કો-ઓર્ડિનેટર શ્રી વંદનાબેન રાજાણી દ્વારા ઓનલાઇન માધ્યમથી વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઝોનલ કો-ઓર્ડિનેટર શ્રી વંદનાબેન રાજાણીની યાદી અનુસાર, મોરબી જિલ્લાના દરેક યોગ ટ્રેનર અને કોચ માટે આ બેઠકમાં ઉપસ્થિત રહેવું અનિવાર્ય છે.
આ ખાસ બેઠકમાં યોગ પ્રશિક્ષકોને સ્પર્શતા વિવિધ પ્રશ્નો જેવા કે:બાકી માનદ વેતન અને કાર્યક્રમોના બિલ – ટ્રાવેલિંગ ભથ્થું (TA) – કોચ અને કો-ઓર્ડિનેટરની નિમણૂકમાં થયેલી ગેરરીતિઓ – સમર કેમ્પ ફાળવણીમાં ભેદભાવ – અગાઉના જવાબદારો સામેની ફરિયાદો તેમજ રચનાત્મક સૂચનો – ઉપરોક્ત તમામ મુદ્દાઓ અંગે દરેક કોચે પોતાની ટ્રેનર્સની ટીમ સાથે ગાંધીનગર ખાતે રૂબરૂ ઉપસ્થિત રહી લેખિતમાં રજૂઆત કરવાની રહેશે.ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પૂર્વ મોરબી જિલ્લા કોર કમિટી મેમ્બર અને યોગ ટ્રેનર શ્રી મયુર કારીયા દ્વારા મોરબી જિલ્લાના તમામ કોચ અને ટ્રેનર્સને સમયસર ગાંધીનગર પહોંચી જવા અપીલ કરવામાં આવી છે, જેથી સૌ સાથે મળીને રાજ્યમાં યોગ અભિયાનને વધુ સુદ્રઢ અને સફળ બનાવી શકાય.














