તા.24/10/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામની સીમમાં રાજકોટ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા એક પેટ્રોલ પંપ પરથી અનઅધિકૃત રીતે HVO ફ્યુઅલનું ગેરકાયદે વેચાણ થતું હોવાનું પર્દાફાશ થયો છે. પોલીસ મામલતદાર અને પુરવઠા વિભાગની સંયુક્ત ટીમે આકસ્મિક દરોડો પાડીને કુલ રૂ. ૧,૧૬,૫૬૦ ની કિંમતનો ૧,૨૪૦ લીટર શંકાસ્પદ ફ્યુઅલનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ- અમદાવાદ હાઇવે પર મોમાઈ હોટેલની સામે આવેલી ‘સમુદ્ર એગ્રો એજન્સી’ સંચાલિત પેટ્રોલ પંપ પર કોઈ પણ પ્રકારની પરવાનગી વિના ગેરકાયદેસર રીતે HVO ફ્યુઅલનું ધમધમી રહેલું વેચાણ અંગે ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીને ગંભીરતાથી લઈને સુરેન્દ્રનગર ડિવિઝનના મદદનીશ પોલીસ અધીક્ષક, વઢવાણ મામલતદાર, નાયબ મામલતદાર તેમજ ચુસ્ત પોલીસ સ્ટાફની બનેલી સંયુક્ત ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને ઓચિંતી તપાસ હાથ ધરી હતી. અધિકારીઓની ટીમે પંપ પર સ્થળ તપાસ હાથ ધરી ફ્યુઅલના જથ્થાની સઘન ચકાસણી કરી હતી. જેમાં પ્રથમ ટૅંકમાંથી ૧,૦૪૦ લીટર ફ્યુઅલ અને બીજા ટૅંકમાંથી અંદાજે ૨૦૦ લીટર ફ્યુઅલ કુલ જથ્થો ૧,૨૪૦ લીટર બજાર ભાવ અનુસાર પ્રતિ લીટર રૂ. ૯૪ ના દરથી ગણતરી કરતાં પ્રથમ ટૅંકના જથ્થાની કિંમત રૂ. ૯૭,૭૬૦ અને બીજા ટૅંકના જથ્થાની કિંમત રૂ. ૧૮,૮૦૦ થાય છે. આમ, સંયુક્ત ટીમે કુલ રૂ. ૧,૧૬,૫૬૦ ની કિંમતનો ફ્યુઅલનો જથ્થો જપ્ત કર્યો હતો. સંયુક્ત તપાસ ટીમ દ્વારા સ્થળ પરથી વેચાતા ફ્યુઅલના સત્તાવાર નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યા છે. તેમજ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અને કાયદાકીય ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી પેટ્રોલ પંપને સીઝ કરી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા એકત્ર કરાયેલા નમૂનાઓને સરકારી પ્રયોગશાળામાં ચકાસણી માટે મોકલવામાં આવશે. લેબ રિપોર્ટના પરિણામો અને આગળની ઊંડાણપૂર્વકની તપાસમાં બહાર આવનારી હકીકતોના આધારે પેટ્રોલ પંપના સંચાલકો સામે આવશ્યક ચીજ વસ્તુઓનો ધારો અને લાગુ પડતા અન્ય કાયદાકીય નિયમો હેઠળ કડક ફોજદારી તથા દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ સત્તાવાર સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.










