MORBI:મોરબીના ખેવાળીયા ગામે અરેરાટી: અગમ્ય કારણોસર ઝેરી દવા પી જનાર ૧૦ વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન મો*ત

મોરબી તાલુકાના ખેવાળીયા ગામે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ખેવાળીયાથી નારણકા ગામ વચ્ચે આવેલી એક વાડી વિસ્તારમાં આશરે ૧૦ વર્ષની માસૂમ બાળકીએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા, ચાર દિવસની સારવાર બાદ તેનું મોત નીપજ્યું છે. આ બનાવથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

વિગત અનુસાર, ખેવાળીયા ગામે રહેતી સોહાના રંગેશભાઈ મેડા (ઉં.વ. આશરે ૧૦) નામની સગીરાએ પોતાની વાડી વિસ્તારમાં કોઈ અગમ્ય કારણોસર ‘મોનોકોટો’ જેવી જંતુનાશક ઝેરી દવા પી લીધી હતી. બાળકીની તબિયત લથડતાં પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
હોસ્પિટલના બિછાને જીવન અને મરણ વચ્ચે ઝોલાં ખાતી માસૂમ બાળકીની છેલ્લા ચાર દિવસથી સઘન સારવાર ચાલી રહી હતી. જોકે, તબીબોના તમામ પ્રયાસો છતાં ૨૪ ઓક્ટોબરના રોજ વહેલી પરોઢે બાળકીએ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા.
આ બનાવ અંગે હોસ્પિટલ પ્રશાસન દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે હોસ્પિટલ પહોંચી મૃતદેહનું પંચનામું કરી અકસ્માતે મોતના ગુના હેઠળ નોંધ કરી છે અને બાળકીએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે દિશામાં કાયદેસરની આગળની તપાસ હાથ ધરી છે.













