બનાસકાંઠામાં ગોબરમાંથી સમૃદ્ધિની હરિત ક્રાંતિ લખાઈ રહી છે: બનાસનું બાયો-સીએનજી મૉડેલ પશુપાલકો માટે બન્યું છે વરદાન

26 ઓક્ટોમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

ભારતનાં અંતરિયાળ ગામડાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન તરફ દોરી જતી વૈશ્વિક હરિત ક્રાંતિનું નેતૃત્વ કરશે: અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી
બનાસકાંઠામાં આજે ચાર બાયો સીએનજી દ્વારા દૈનિક ૩૪૦ ટન છાણનું પ્રોસેસિંગ થઈ રહ્યું છે: ગોબરના સદુપયોગથી ભવિષ્યમાં ૨૦૦ જેટલા પ્લાન્ટ્સ બનાવવાનું લક્ષ્યાક છે.ગોબરમાંથી બનતો બાયો-સીએનજી સામાન્ય સીએનજીના દરો કરતાં ઓછા ભાવે ઉપલબ્ધ છે.બનાસકાંઠા જિલ્લાની ધરતી પરથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી ૩૦મી ઓક્ટોબર ૨૦૨૬ના રોજ બનાસ ડેરીના પાંચ મોટા વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પરંપરાગત ડેરી વ્યવસાયમાં વર્ષો સુધી ઉપેક્ષિત ગણાતા પશુઓના છાણ (ગોબર) ને ‘અમૂલ’ બ્રાન્ડ હેઠળ કાર્યરત બનાસ ડેરીએ પોતાની સર્વોચ્ચ મૂલ્યવાન અસ્કયામતમાં પરિવર્તિત કરી બતાવ્યું છે. સામાન્ય કચરો ગણાતા છાણને વાહનો માટેના સ્વચ્છ હરિત બળતણ (Bio-CNG), ઉત્કૃષ્ટ સેન્દ્રિય ખાતર અને પશુપાલક પરિવારો માટે પખવાડિક નિયમિત રોકડ આવકના સ્રોતમાં ફેરવીને સંસ્થાએ એક ક્રાંતિકારી પહેલ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં અંદાજે ૨૮ લાખ પશુધન પૈકી ૨૪ લાખ પશુઓ બનાસ ડેરી સાથે સંકળાયેલા પશુપાલકો પાસે છે, જેના થકી દૈનિક આશરે ૨૪,૦૦૦ ટન છાણનું ઉત્પાદન થાય છે. ફેબ્રુઆરી ૨૦૨૦માં ડીસાના દામા ગામથી છાણ ખરીદીની ઐતિહાસિક શરૂઆત કરી ૨૫ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ દેશના સૌપ્રથમ વ્યાપારી ધોરણના CBG આઉટલેટનો પ્રારંભ કરાયો હતો. ત્યારબાદ સુઝુકી મોટર કોર્પોરેશન અને એનડીડીબી (NDDB) સાથે થયેલા ત્રિપક્ષીય કરાર હેઠળ આગથળા, ભૂખલા અને વીંછીવાડા ખાતે પ્લાન્ટ્સ કાર્યરત કરાયા છે. હાલ ચાર પ્લાન્ટ્સ દ્વારા રોજ ૩૪૦ ટન છાણનું પ્રોસેસિંગ થઈ રહ્યું છે, જ્યારે થરાદ અને રાધનપુર ખાતે નવા પ્લાન્ટ્સ કાર્યરત થતાં આ નેટવર્કની દૈનિક ક્ષમતા ૫૧૫ મેટ્રિક ટને પહોંચશે.
આ મોડેલ અત્યંત પારદર્શક અને ખેડૂતલક્ષી છે. પશુપાલકો પાસેથી ખેતર પર જ વજન કરીને કિલોદીઠ આશરે રૂ. ૧ના ભાવે છાણ ખરીદવામાં આવે છે અને તેની રકમ દર પખવાડિયે દૂધના બિલ સાથે સીધી ખેડૂતોના ખાતામાં જમા થાય છે. પ્લાન્ટમાં પ્રક્રિયા બાદ તૈયાર થતો સ્વચ્છ બાયો-સીએનજી વાહનચાલકોને કિલોદીઠ રૂ. ૭૫ થી ૮૦ના રાહતદરે ઉપલબ્ધ કરાવાય છે, જ્યારે ગુજરાતમાં સામાન્ય સીએનજીનો દર આશરે રૂ. ૯૨ છે. આ ઉપરાંત, ઉપપેદાશ તરીકે મળતી સ્લરીમાંથી તૈયાર થતું ઘન અને પ્રવાહી ઓર્ગેનિક ખાતર સ્થાનિક દૂધ મંડળીઓ મારફતે “ભૂમિ અમૃત” બ્રાન્ડ હેઠળ ખેડૂતોને પરત પૂરું પાડવામાં આવે છે, જે જમીનની ગુણવત્તા સુધારે છે.
પર્યાવરણીય દ્રષ્ટિએ, ખુલ્લામાં સડતા છાણમાંથી ઉત્સર્જિત થતો મિથેન વાયુ વાતાવરણમાં ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે, જેની સામે આ પ્લાન્ટ્સ હાનિકારક વાયુને કેપ્ચર કરીને સ્વચ્છ ઊર્જામાં રૂપાંતરિત કરે છે. રાષ્ટ્રહિતને સર્વોપરી રાખીને બનાસ ડેરીએ ગાયના છાણની દુબઈ નિકાસ કરવાની આકર્ષક ઓફર નકારી કાઢીને આ દેશી સંસાધનનો લાભ ભારતીય ધરતી અને ખેડૂતોને જ આપવાનો મક્કમ નિર્ણય લીધો છે. સમગ્ર જિલ્લાના પશુધનના સદુપયોગથી ભવિષ્યમાં ૨૦૦ જેટલા પ્લાન્ટ્સ દ્વારા વાર્ષિક ૧,૧૬૮ લાખ કિલો કમ્પ્રેસ્ડ બાયોગેસનું ઉત્પાદન અને પશુપાલકોને વાર્ષિક ₹૮૭૫ કરોડનું સીધું આર્થિક વળતર મળવાનો અંદાજ છે. આ સફળતાના પાયા પર ભારત અને જાપાન વચ્ચે સમગ્ર દેશમાં ૧,૦૦૦ બાયોગેસ પ્લાન્ટ્સ સ્થાપવા માટે ‘જાપાન-ઇન્ડિયા કો-ઓપરેટિવ બાયોગેસ ઇનિશિયેટિવ’નો પણ પ્રારંભ થયો છે. વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, સંસ્થાનું લક્ષ્ય માત્ર દૂધ સંપાદન પૂરતું મર્યાદિત નથી, પરંતુ સ્વચ્છ હરિત ઊર્જાને ગ્રામીણ આજીવિકા સાથે સાંકળી પશુપાલકોનું ભવિષ્ય સુરક્ષિત બનાવવાનું છે. આ પહેલ થકી ભારતનાં અંતરિયાળ ગામડાં દેશને ‘નેટ ઝીરો’ કાર્બન ઉત્સર્જન તરફ લઈ જતી વૈશ્વિક હરિત ક્રાંતિનું નેતૃત્વ કરશે. વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરતો આ પ્રકલ્પ પશુપાલકોને વધારાની આવક, ગામડાંમાં સ્વચ્છતા, સસ્તું વાહન બળતણ, સેન્દ્રિય ખાતર અને સ્થાનિક સ્તરે નવી રોજગારી આપતું ‘પંચમુખી પરિવર્તન’ સાબિત થશે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો