
સમીર પટેલ, ભરૂચ

ભરૂચ તાલુકાના શેરપુરા ગામ નજીકથી પસાર થતા NH-64 (SH-6)ના બાંધકામને લઈને સ્થાનિક રહીશોએ વિવિધ જાહેર હિતના પ્રશ્નો ઉઠાવ્યા છે. આજે મોટી સંખ્યામાં ગ્રામજનો ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને અંડરપાસ,ડ્રેનેજ-કલ્વર્ટ તથા કબ્રસ્તાન સુધીના જૂના માર્ગની કાયમી વ્યવસ્થા કરવા માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું.
આજે કલેક્ટરને ગ્રામજનોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, શેરપુરા-ડુંગરી માર્ગ ગામ અને આસપાસની સોસાયટીઓ માટે અવરજવરનો મહત્ત્વપૂર્ણ માર્ગ છે. આ માર્ગ પર સુરક્ષિત અંડરપાસની વ્યવસ્થા નહીં થાય તો શાળાએ જતા બાળકો, ખાસ કરીને પગપાળા અને સાયકલથી અવરજવર કરતા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી શકે છે.ગ્રામજનોના અંદાજ મુજબ આશરે 300થી વધુ વિદ્યાર્થીઓ આ માર્ગનો ઉપયોગ કરે છે, જ્યારે વૈકલ્પિક માર્ગે જવું પડે તો બે થી ત્રણ કિલોમીટરનો વધારાનો ચક્કર લગાવવો પડી શકે છે.
આ ઉપરાંત, હાઇવેના બાંધકામને કારણે વરસાદી પાણીના કુદરતી નિકાલમાં અવરોધ ન સર્જાય તે માટે યોગ્ય ડ્રેનેજ અને કલ્વર્ટની વ્યવસ્થા કરવાની માંગ કરાઈ છે. ગામથી કબ્રસ્તાન સુધીના વર્ષો જૂના માર્ગની સીધી અને સલામત પહોંચ જળવાઈ રહે તે માટે પણ ગ્રામજનોએ રજૂઆત કરી છે. સીધો માર્ગ બંધ થવાથી મૈયત-જનાજા અને ધાર્મિક પ્રસંગો દરમિયાન અવરજવર માં મુશ્કેલી સર્જાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને સંબંધિત હાઇવે અધિકારીઓ અને ગ્રામ પંચાયતની હાજરીમાં સંયુક્ત સ્થળ તપાસ કરાવવા, રોડ સેફ્ટી ઓડિટ હાથ ધરવા તથા જરૂરિયાત મુજબ બાંધકામની ડિઝાઇનમાં સુધારા કરવા માંગ કરી છે. ગ્રામજનોએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ હાઇવેના વિકાસના વિરોધમાં નથી, પરંતુ ગામના લોકોની સુરક્ષા, સુવિધા અને અવરજવરને ધ્યાનમાં રાખીને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ છે.
હવે જિલ્લા વહીવટી તંત્ર અને સંબંધિત હાઇવે વિભાગ દ્વારા આ રજૂઆત અંગે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર ગ્રામજનોની નજર રહેશે.જો આ અંગે યોગ્ય કાર્યવાહી નહી કરાય તો આગામી દિવસોમાં ગ્રામજનો આચાર્યચકિત કાર્યક્રમ સાથે કોર્ટના દ્વાર પણ ખખડાવવાની પણ ચીમકી ઉચ્ચારી છે.









