26 ઓક્ટોમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

લુવાણા થી પેપર માર્ગ સામાજિક વ્યવહાર, દર્શનાર્થીઓ અને દૂધ ઉત્પાદક પશુપાલકો માટે મહત્વપૂર્ણ બની રહેશે :- અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સરહદી અને ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે ભૂતકાળની સરખામણીએ આજે અભૂતપૂર્વ નાણાકીય ફાળવણી થઈ રહી છે :- અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે આજરોજ વાવ – થરાદ જિલ્લાના રાહ તાલુકાના લુવાણા (ક) થી પેપર સુધીના રૂ. ૪૧૦ લાખના માર્ગનું કરાયું ખાતમુર્હુત કરાયું હતું. વાવ-થરાદ જિલ્લાના રાહ તાલુકામાં ગ્રામીણ માર્ગ જોડાણને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા રૂ. ૪૧૦ લાખના ખર્ચે સાકાર થનાર લુવાણા (ક) થી પેપર સુધીના ૩.૭૫૦ કિલોમીટર લાંબા રસ્તાના કામનું ખાતમુર્હુત કરાયું હતું. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, લુવાણા થી પેપર સુધીનો રસ્તો એ બંને ગામો વચ્ચે સામાજિક વ્યવહાર, પેપર ખાતે મહાદેવજીના દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ તેમજ ખેતરોમાંથી દૂધ મંડળી સુધી દૂધ પહોંચાડતા પશુપાલકો માટે અત્યંત મહત્વનો બની રહેશે. તેવી જ રીતે રાહથી ખોડા તરફ જતા રસ્તાની ૨૫ વર્ષ જૂની માંગણી પણ હવે ઝડપથી પૂર્ણતાના આરે છે. અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે, હાલ જ્યાં કાચું નેળિયું છે ત્યાં આગામી ૩૧ માર્ચ પહેલાં વાહનો સરળતાથી દોડી શકે તેવો ઉત્તમ ગુણવત્તાયુક્ત પાકો રસ્તો તૈયાર કરાશે અને નિયત સમયમર્યાદામાં કામ પૂરું થાય તે માટે તેઓ સ્વયં જાતતપાસ પણ કરશે.અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે, લોકશાહીમાં જ્યાં વિશ્વાસ અને સ્નેહ હોય ત્યાં જ પ્રજા પોતાની માંગણીઓ રજૂ કરતી હોય છે. લુવાણા ગામમાં થયેલા વિકાસકામો ગ્રામજનોની નજર સમક્ષ છે. પંચાયતી રાજ વ્યવસ્થા હેઠળ આજે ગામડાંઓમાં લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટ સીધી ગ્રામ પંચાયતોના હવાલે કરવામાં આવી રહી છે, જેથી સ્થાનિક જરૂરિયાત મુજબ સમયસર આયોજન થઈ શકે. ભૂતકાળની સરખામણીએ વર્તમાન સમયમાં સરહદી અને ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે અભૂતપૂર્વ નાણાકીય ફાળવણી થઈ રહી છે.આ વિસ્તારમાં ખેતીની સાથોસાથ પશુપાલન ક્ષેત્રે આવી રહેલા પરિવર્તનની વાત કરતાં અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં પશુપાલનનો વ્યવસાય મોટા પાયે વિકસવાનો હોવાથી રાહ પંથક માટે પશુ દવાખાનું અને પશુચિકિત્સક (વેટરનરી ડૉક્ટર)ની વ્યવસ્થા પણ મંજૂર કરાઈ છે. સામાન્ય રીતે એક ઉત્તમ પશુ વર્ષમાં માત્ર એક જ બચ્ચાને જન્મ આપી શકે છે, પરંતુ આધુનિક વિજ્ઞાન અને એમ્બ્રીયો ટ્રાન્સફર (IVF – ગર્ભ પ્રત્યારોપણ) ટેકનોલોજી થકી વધુ દૂધ આપતી શ્રેષ્ઠ ગાય કે ભેંસમાંથી એક જ વર્ષમાં ૨૫થી વધુ વાછરડી કે પાડીઓ તૈયાર કરી શકાય છે. આ વૈશ્વિક ટેકનોલોજીને બનાસકાંઠાના ધરતીપુત્રો સુધી પહોંચાડવા માટે ભીલડી ખાતે ૨૩૦ વીઘા જમીનમાં દેશનું સર્વપ્રથમ અને અદ્યતન એમ્બ્રીયો સેન્ટર તૈયાર થઈ ગયું છે, જેનું લોકાર્પણ આગામી ૩૦મી તારીખે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવશે.
અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે, બનાસ ડેરીના માધ્યમથી સ્થાનિક કક્ષાએ ૧,૦૦૦ પ્રગતિશીલ બ્રીડર્સને વિશેષ તાલીમ આપીને તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેથી સામાન્ય ખર્ચ અને માવજતમાં પશુપાલકોનું દૂધ ઉત્પાદન બમણાથી પણ વધુ થઈ શકે. જન્મ સમયે જ વાછરડી કે પાડીના લોહીના નમૂનાથી તેની ભવિષ્યની દૂધ ક્ષમતા અને રોગપ્રતિકારક શક્તિ જાણી શકાય તેવી જીનોમિક્સ ટેકનોલોજી હવે ઉપલબ્ધ છે. કાંકરેજી દેશી ગાયો, ઉચ્ચ ઓલાદની ભેંસો તેમજ ૫૦ લિટર સુધી દૂધ આપતી એચ.એફ. ગાયોના સંવર્ધન થકી વિજ્ઞાન અને પરંપરાગત વિરાસતનો સમન્વય કરી ગ્રામીણ પશુપાલકોને આર્થિક રીતે સ્વનિર્ભર બનાવવાની દિશામાં આ ઐતિહાસિક કદમ છે.આ કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણીઓ, પંચાયતના પદાધિકારીઓ, માર્ગ-મકાન વિભાગના ઈજનેરો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
















