યોગેશ કાનાબાર રાજુલા

રાજુલામાં પ્રથમવાર 2,000 દીકરીઓએ એકસાથે રાસ-ગરબાની રમઝટ બોલાવી; ભવ્ય આયોજનમાં માનવ મહેરામણ ઉમટ્યું

ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના આયોજનમાં શિવ સાઉન્ડના સથવારે ભવ્ય રાસ-ગરબા હરીફાઈ યોજાઈ; પૂજ્ય રમેશભાઈ ઓઝાએ આપ્યાં આશીર્વાદ, વિજેતાઓને મોબાઈલ, એસી, ટીવી સહિતનાં આકર્ષક ઇનામો અપાયાં

રાજુલા: રાજુલા શહેરમાં પ્રથમવાર 2,000 જેટલી દીકરીઓએ એકસાથે રાસ-ગરબાની રમઝટ બોલાવી ભવ્ય આયોજનને યાદગાર બનાવ્યું હતું. ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના આયોજનમાં શિવ સાઉન્ડના સથવારે યોજાયેલા આ ભવ્ય રાસ-ગરબા કાર્યક્રમને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહ, ઉમંગ અને પરંપરાગત ગુજરાતી સંસ્કૃતિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.
આ કાર્યક્રમમાં જયદેવ ગોસાઈ અને મેહુલ પ્રજાપતિએ શિવ સાઉન્ડના સથવારે ગરબાની રમઝટ બોલાવી હતી, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ એન્કરિંગ નિકુંજ પંડિત દ્વારા કરવામાં આવ્યું હતું. ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને રાસ-ગરબામાં ભાગ લેનારી દીકરીઓએ પોતાની કલા, તાલ અને ઉત્કૃષ્ટ પ્રસ્તુતિથી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.
ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો પરિવાર સહિત આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ
આ ભવ્ય કાર્યક્રમમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો સમગ્ર પરિવાર ખાસ ઉપસ્થિત રહ્યો હતો. આ ઉપરાંત જે.બી.ભાઈ, ચેતન શિયાળ, રાજુલા નગરપાલિકાના પ્રમુખ મયુરદાદા, મહેશભાઈ જોતગિયા, ભાનુભાઈ રાજગોર, દિલીપભાઈ જોશી, વનરાજ વરુ, નથુભાઈ સોલંકી, વીરભદ્ર ડભિયા, રવુભાઈ ખુમાણ સહિતના આગેવાનો, રાજુલા શહેરના વેપારીઓ, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, રાજકીય કાર્યકરો તથા રાજુલા નગરપાલિકાના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
દેવકાથી પધારેલા જાણીતા ભાગવતાચાર્ય પૂજ્ય રમેશભાઈ ઓઝાએ પણ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ નોંધાવી આશીર્વચન પાઠવ્યાં હતાં. તેમની ઉપસ્થિતિથી કાર્યક્રમમાં આધ્યાત્મિકતા અને ભક્તિભાવનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.
ઉનાથી આવેલી વિશેષ નિર્ણાયક ટીમે જાહેર કર્યા વિજેતાઓ
રાસ-ગરબા હરીફાઈમાં નિષ્પક્ષ મૂલ્યાંકન માટે ત્રણ નિર્ણાયકોની વિશેષ ટીમ રાખવામાં આવી હતી. ઉનાથી આવેલા રવિ શર્મા, દીપ્તિ શર્મા અને તથ્ય શર્માએ નિર્ણાયક તરીકે પોતાની જવાબદારી નિભાવી હતી. તેમના દ્વારા દીકરીઓની રજૂઆત, તાલમેલ અને ગરબાની કળાના આધારે વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા.
હરીફાઈમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિજેતાઓને ઇનામો આપવામાં આવ્યાં હતાં. ટ્રેડિશનલ ડ્રેસમાં રાસ-ગરબા રમતી બહેનોને મોબાઈલ, એસી, ટીવી સહિતનાં આકર્ષક ઇનામો આપવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત અન્ય બહેનોએ પણ ઉત્સાહપૂર્વક રાસ-ગરબામાં ભાગ લીધો હતો, જેમને નંબરના આધારે ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.
“2,000 દીકરીઓએ એકસાથે રાસ રમી આશીર્વાદ આપ્યા, એ જ મારા માટે સૌથી મહત્ત્વની વાત”
આ પ્રસંગે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ લાગણીસભર પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, “આજની રાસ-ગરબાની રમઝટ કે હરીફાઈ મહત્ત્વની નહોતી, પરંતુ આજે એકસાથે 2,000 દીકરીઓએ રાસ રમીને મને આશીર્વાદ આપ્યા, એ જ મારા માટે સૌથી મહત્ત્વની વાત છે.”
તેમના આ નિવેદનથી કાર્યક્રમ પાછળનો દીકરીઓ પ્રત્યેનો સ્નેહ, લાગણી અને સાંસ્કૃતિક પરંપરાને પ્રોત્સાહન આપવાનો ભાવ વ્યક્ત થયો હતો.
પોલીસ તંત્રની ચુસ્ત વ્યવસ્થા, ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ખાસ આયોજન
કાર્યક્રમને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તથા ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે રાજુલા પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર કોલાદરાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ, હોમગાર્ડના જવાનો, ટી.આર.બી.ના જવાનો તેમજ 112ની ટીમને તૈનાત રાખવામાં આવી હતી.
આ ઉપરાંત ડી.વાય.એસ.પી. નયના ગોરડિયા, પી.આઈ. કોલાદરા, રાજુલાના ડેપ્યુટી કલેક્ટર અક્ષર વ્યાસ સહિતના ઉચ્ચ અધિકારીઓએ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી રાસ-ગરબાની રમઝટ નિહાળી હતી. રાજુલા નગરપાલિકાનાં ચીફ ઓફિસર દેવીબહેન સહિતના આગેવાનો અને અધિકારીઓએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
રાજુલામાં સાંસ્કૃતિક પરંપરાને પ્રોત્સાહન આપતું યાદગાર આયોજન
રાજુલામાં પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં દીકરીઓને એક મંચ પર એકસાથે રાસ-ગરબા રમવાની તક મળી હતી. ભવ્ય આયોજન, શિવ સાઉન્ડના સંગીતની રમઝટ, પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ દીકરીઓની મનમોહક રજૂઆતો, મહાનુભાવોની ઉપસ્થિતિ અને આકર્ષક ઇનામોએ સમગ્ર કાર્યક્રમને વિશેષ બનાવ્યો હતો.
આ આયોજન માત્ર રાસ-ગરબાની હરીફાઈ પૂરતું સીમિત ન રહેતાં ગુજરાતી સંસ્કૃતિ, સામૂહિક એકતા અને દીકરીઓના ઉત્સાહને પ્રોત્સાહન આપતો યાદગાર પ્રસંગ બની રહ્યો હતો. રાજુલામાં યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમની શહેરભરમાં ચર્ચા જોવા મળી હતી.
યોગેશ કાનાબાર રાજુલા









