તારીખ ૨૬/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
ગાંધીનગર ખાતે ગતરોજ ભારતીય જનતા પાર્ટીની અતિ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ તથા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં ઉત્તર અને મધ્ય ઝોનના ચૂંટાયેલા પ્રતિનિધિઓની આ બેઠક મળી હતી.આ બેઠકમાં પંચમહાલ જિલ્લા વતી ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈ (લાલાભાઈ) વિશેષ રૂપે સહભાગી થયા હતા. આ પ્રસંગે તેમને માનનીય મુખ્યમંત્રીનું સ્વાગત-અભિવાદન કરવાનો અને જિલ્લાના વિકાસલક્ષી મહત્વપૂર્ણ વિષયો પર પ્રેઝન્ટેશન રજૂ કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો.બેઠક દરમિયાન વિવિધ સંગઠનાત્મક વિષયો, રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ અને આગામી ચૂંટણીલક્ષી રણનીતિ અંગે વિસ્તૃત અને ગહન ચર્ચા કરવામાં આવી હતી.આ મહત્વપૂર્ણ બેઠકમાં ઉત્તર અને મધ્ય ઝોનના અનેક હોદ્દેદારો ઉપરાંત પંચમહાલ જિલ્લામાંથી સાંસદ રાજપાલસિંહ જાદવ સાથે કાલોલ મતવિસ્તારના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ અને કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ તથા કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈ મકવાણા પણ ઉપસ્થિત રહ્યા હતા. કાલોલના પ્રતિનિધિઓની આ ઉપસ્થિતિએ સ્થાનિક મુદ્દાઓને પ્રદેશ સ્તરે રજૂ કરવાની તક પૂરી પાડી હતી. આ બેઠકથી સમગ્ર ઝોનના કાર્યકર્તાઓમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર થયો છે.










