તારીખ ૨૯/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરપાલિકા દ્વારા આયોજિત ગુજરાત શહેરી આજીવિકા મિશન અંતર્ગત શોપિંગ ફેસ્ટિવલ 2026 નું આજરોજ ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.’હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી’ના સૂત્ર સાથે આ સ્વદેશી મેળાનું આયોજન તા. 29-10-2026 ના રોજ ગાયત્રી મંદિર ગાર્ડન, કાલોલ ખાતે કરવામાં આવ્યું છે. આ મેળાનો મુખ્ય હેતુ સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો અને સ્થાનિક વેપારીઓ, ખાસ કરીને મહિલા સ્વ-સહાય જૂથોને મજબૂતી આપવાનો છે. આજે સાંજે 4:00 કલાકે આ ફેસ્ટિવલનો શુભારંભ કરવામાં આવ્યો હતો.આ ઉદ્ઘાટન પ્રસંગે કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા,ચીફ ઓફિસર સંજયભાઇ પટેલ કાલોલ શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઇ પારેખ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે દીપ પ્રાગટ્ય કરી મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.આ પ્રસંગે પંચમહાલ જીલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાય કાલોલ નગરપાલિકાના ઉપપ્રમુખ ગૌરાંગભાઇ દરજી, નગરપાલિકા કારોબારી સમિતિના ચેરમેન જ્યોત્સનાબેન બેલદાર પક્ષના નેતા હરિકૃષ્ણભાઇ પટેલ સહિત નગરપાલિકાના સદસ્યો સાથે નગરપાલિકાના કર્મચારીઓ તેમજ શહેરના અગ્રણી વેપારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.નગરપાલિકા દ્વારા તમામ નગરજનોને આ સ્વદેશી મેળાની મુલાકાત લઈ સ્થાનિક ઉત્પાદનોની ખરીદી કરી ‘વોકલ ફોર લોકલ’ના અભિયાનને સફળ બનાવવા હાર્દિક અપીલ કરવામાં આવી છે.











