MORBI:મોરબીમાં દિવાળી અગાઉ પોલીસ એક્શન મોડમાં: દરબારગઢથી સોની બજાર સુધી પોલીસ કાફલાનું ફૂટ પેટ્રોલિંગ

દરબારગઢ, સોની બજાર અને જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં પોલીસ કાફલા દ્વારા રૂટ માર્ચ – નાગરિકોની સુરક્ષા માટે 10 અધિકારીઓ અને 50 જવાનો મેદાને – શંકાસ્પદ ઈસમો જણાય તો તુરંત ‘112’ પર ફોન કરવા પોલીસની અપીલ

મોરબીમાં આગામી દિવાળીના તહેવારને લોકો શાંતિપૂર્ણ રીતે ઉજવી શકે અને શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે.
DYSP જે.એમ. આલની રાહબરી હેઠળ મોરબી એ ડિવિઝન વિસ્તારમાં દરબારગઢથી લઈને સોની બજાર, આંગડિયા પેઢી વિસ્તાર અને ત્યાંથી જૂના બસ સ્ટેન્ડ સુધી પોલીસ કાફલા દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
સંયુક્ત પોલીસ ટીમો દ્વારા કડક બંદોબસ્ત
આ સુરક્ષા અભિયાનમાં પોલીસની વિવિધ ટીમો જેવી કે એ ડિવિઝન, બી ડિવિઝન, મોરબી તાલુકા, એલસીબી (LCB), એસઓજી (SOG) અને ટ્રાફિક બ્રાન્ચના કુશળ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. આ પેટ્રોલિંગમાં અંદાજે 10 જેટલા અધિકારીઓ અને 50 જેટલા પોલીસ જવાનોએ સાથે મળીને મોરબી શહેરના સંવેદનશીલ અને ભીડભાડવાળા વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.
દિવાળીની રજાઓમાં બહારગામ જતા લોકોના બંધ મકાનોમાં ચોરીના બનાવો ન બને તે માટે પોલીસે વિશેષ આયોજન કર્યું છે. અલગ-અલગ ટીમો બનાવીને નાઈટ રાઉન્ડ અને ચેકિંગ વધુ અસરકારક બનાવવામાં આવ્યું છે. રાત્રિના સમયે અવાવરું જગ્યાઓ અને બંધ મકાનો ધરાવતી સોસાયટીઓના ચોકીદાર તેમજ સિક્યોરિટી ગાર્ડને પણ સાવચેત રહેવા પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી છે.

સોની બજાર કે અન્ય વિસ્તારોમાં ખરીદી કરવા આવતા નાગરિકોએ પોતાના બાળકો અને કિંમતી સામાનની ખાસ તકેદારી રાખવી.બહારગામ જતા પહેલાં સૂચના આપો: બહારગામ જતી વખતે ઘરમાં કિંમતી સામાન ન રાખવો અને આજુબાજુના પડોશીઓ તેમજ સ્થાનિક પોલીસને જાણ કરવી, જેથી તે સમય દરમિયાન પોલીસ ત્યાં વિશેષ ધ્યાન રાખી શકે.મદદ માટે સંપર્ક કરો: જો કોઈ શંકાસ્પદ ઈસમો જોવા મળે તો તુરંત જ લોકલ પોલીસ, એલસીબી, એસઓજી અથવા 112 નંબર પર ફોન કરી જાણ કરવી. મોરબી પોલીસ 24 કલાક લોકોની સુરક્ષા માટે તત્પર છે.













