વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી જિલ્લામાં ગુનાઓ અટકાવવા અને જાહેર સલામતી જાળવવાના હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જે. એન. લિખિયાએ જિલ્લાના કારખાનેદારો, ઔદ્યોગિક અને વાણિજ્યિક એકમોના માલિકો, બિલ્ડરો તથા અન્ય ખાનગી એકમોને ત્યાં કામ કરતા કર્મચારીઓ, કારીગરો અને મજૂરોની વિગતો સંબંધિત પોલીસ સ્ટેશનમાં નિયત પત્રકમાં આપવાનો હુકમ કર્યો છે.
હુકમ મુજબ કર્મચારીઓ અને મજૂરોનું પૂરું નામ, સરનામું, સંપર્ક નંબર, ફોટો, નોકરીએ રાખ્યાની તારીખ, રેફરન્સ આપનાર વ્યક્તિની વિગતો તથા બે-ત્રણ સગા સંબંધીઓનાં નામ-સરનામાં સહિતની માહિતી આપવાની રહેશે.
આ ઉપરાંત, મકાન, દુકાન, ઓફિસ કે ઔદ્યોગિક એકમ ભાડે આપેલ હોય તો તેની વિગતો, બાંધકામનું ક્ષેત્રફળ, માલિકની માહિતી તથા ભાડુઆત અને તેના સગા સંબંધીઓની વિગતો પણ સંબંધિત પોલીસ સ્ટેશનમાં પાંચ દિવસમાં જમા કરાવવાની રહેશે.
આ હુકમ નવસારી જિલ્લામાં તાત્કાલિક અસરથી આગામી તા.૨૭/૧૨/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. માહિતી આપવાનો ઇનકાર કરનાર અથવા અધૂરી માહિતી આપનાર સામે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૨૨૩ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. સરકારી, અર્ધસરકારી કચેરીઓ અને ચૂંટાયેલી સંસ્થાઓને આ હુકમ લાગુ પડશે નહીં.









