કરાચી. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ગુરુવારે એક એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલિન્ડર ફાટતાં એક મહિલા સહિત ૧૦ લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ ઘટના થારપારકર જિલ્લાના નાગરપારકર વિસ્તારમાં બની હતી, જ્યારે એમ્બ્યુલન્સ એક મહિલાને ‘દાનો ધંધલ’ (Dano Dhandhal) સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી મિથી શહેરની જિલ્લા હોસ્પિટલ લઈ જઈ રહી હતી.

થારપારકરના સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (SSP) આરિફ અઝીઝ જાફરીએ જણાવ્યું હતું કે, “અત્યાર સુધીમાં મહિલા સહિત ૧૦ લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે.” તેમણે સમજાવ્યું કે, બાળકને જન્મ આપ્યા બાદ ઉદ્ભવેલી જટિલતાઓને કારણે મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી. જાફરીના જણાવ્યા અનુસાર, જ્યારે એમ્બ્યુલન્સનો ડ્રાઈવર વાહનની અંદર સિલિન્ડરને ખસેડી રહ્યો હતો ત્યારે તેમાં વિસ્ફોટ થયો હતો.











