MORBI:ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના બની મુશ્કેલ સમયનો મોટો સહારો: મોરબીના ધ્રુવનગરના અલ્પાબેન રાણાનું જીવન બન્યું આત્મનિર્ભર

પતિના અવસાન બાદ બે બાળકોના ઉછેર અને આર્થિક સંઘર્ષ વચ્ચે વહીવટી તંત્રના માર્ગદર્શનથી શરૂ થઈ માસિક આર્થિક સહાય

મહિલાઓના ઉત્થાન અને તેમને જીવનમાં આર્થિક સ્વાવલંબન પૂરું પાડવાના ઉમદા હેતુસર ગુજરાત સરકાર દ્વારા અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓ પૈકીની ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના કઈ રીતે છેવાડાના માનવીના જીવનમાં સકારાત્મક બદલાવ લાવે છે, તેનું ઉદાહરણ મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામના રહેવાસી અલ્પાબેન રાણા બન્યા છે.
સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ સમયસર અને સરળતાથી મળી રહે તો કેવી રીતે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોનું જીવન બદલાઈ શકે છે. આ મુશ્કેલ સમયમાં આશીર્વાદરૂપ સાબિત થયેલી આ યોજના માટે તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.
અલ્પાબેન પતિના આકસ્મિક અવસાન બાદ આર્થિક અને સામાજિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. પરિવારમાં કમાવનાર કોઈ ન હોવાથી બે બાળકોની જવાબદારી, તેમનો ઉછેર, શૈક્ષણિક જરૂરિયાતો અને દૈનિક ઘરખર્ચ ચલાવવો તેમના માટે અત્યંત પડકારજનક બન્યો હતો. પૂરતી જાણકારીના અભાવે તેઓ સરકારી સહાયથી વંચિત હતા અને આર્થિક સંકડામણને કારણે સતત ચિંતામાં હતા.
ધ્રુવનગર આંગણવાડી ખાતે યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન તેમની ભત્રીજી મનિષા રાણાને ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ વિશે માહિતી મળી હતી. ત્યારબાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી મોરબી અંતર્ગત કાર્યરત DHEW હબના જિલ્લા કો-ઓર્ડિનેટરનો સંપર્ક કરવામાં આવતા, કચેરીની ટીમ દ્વારા અલ્પાબેનના ઘરે રૂબરૂ મુલાકાત લઈ સમગ્ર પરિસ્થિતિની ચકાસણી કરવામાં આવી હતી. કચેરી દ્વારા તેમને યોજનાની પાત્રતા, જરૂરી દસ્તાવેજો અને અરજી પ્રક્રિયા અંગે સચોટ માર્ગદર્શન આપી ફોર્મ ભરવાની પ્રક્રિયામાં પૂર્ણ સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો.
સરકારની આ કલ્યાણકારી યોજના અંતર્ગત અલ્પાબેનની અરજી મંજૂર થતાં તેમને દર મહિને નિયમિત રીતે રૂ. ૧,૨૫૦/- ની આર્થિક સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા થાય છે. આ નિયમિત આર્થિક સહાયથી તેમને દૈનિક જરૂરિયાતો પૂર્ણ કરવામાં મોટો ટેકો મળ્યો છે તેમજ મુશ્કેલ સમયમાં નવો આત્મવિશ્વાસ અને સુરક્ષાની ભાવના પ્રાપ્ત થઈ છે.












