વઘઈમાં સંઘની વિજયાદશમીની ભવ્ય ઉજવણી,શસ્ત્રપૂજન બાદ શિસ્તબદ્ધ પથ સંચલન; ગ્રામજનોએ પુષ્પવર્ષા કરી વધાવ્યો

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના વઘઈમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે શસ્ત્રપૂજન, બૌદ્ધિક માર્ગદર્શન અને શિસ્તબદ્ધ પથ સંચલન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. સંઘના સ્વયંસેવકોની શિસ્ત, એકતા અને રાષ્ટ્રભક્તિની ભાવનાથી સમગ્ર કાર્યક્રમમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે એક્સ આર્મી જવાન છગનભાઈ ફુફાણિયા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મુખ્ય વક્તા તરીકે નવસારી વિભાગના સહકાર્યવાહ ડૉ. વસંતભાઈ ગાવિતે સંઘની ૧૦૦ વર્ષની ગૌરવશાળી યાત્રા, વિજયાદશમીનું ઐતિહાસિક મહત્ત્વ, શસ્ત્રપૂજનની પરંપરા અને રાષ્ટ્રસેવામાં સ્વયંસેવકોની ભૂમિકા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

ડૉ. વસંતભાઈ ગાવિતે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે શક્તિની આરાધના માત્ર પૂજા પૂરતી સીમિત ન રહેવી જોઈએ, પરંતુ શક્તિનો ઉપયોગ સમાજ અને સજ્જનોની રક્ષા માટે થવો જોઈએ. તેમણે રાવણના અભિમાનથી લઈને મહાભારતમાં અર્જુનને ભગવાન શ્રીકૃષ્ણે આપેલા કર્મયોગના સંદેશ સુધીના પ્રસંગો વર્ણવીને નિઃસ્વાર્થ કર્મ, રાષ્ટ્રપ્રેમ અને સમર્પણનું મહત્ત્વ સમજાવ્યું હતું.

વધુમાં તેમણે સંઘના સ્વયંસેવકોની સેવાભાવના, આપત્તિના સમયે સમાજ પ્રત્યેની જવાબદારી, પર્યાવરણ સંરક્ષણ, પાણીનો બગાડ અટકાવવા, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા તથા સ્વભાષા, સ્વભૂષા, સ્વભોજન અને ભારતીય સંસ્કારોને જીવનમાં ઉતારવા અપીલ કરી હતી. વ્યક્તિમાં પરિવર્તન આવશે તો જ સમાજ અને રાષ્ટ્રમાં પરિવર્તન આવશે તેવો પ્રેરણાદાયી સંદેશ પણ આપ્યો હતો.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગ જિલ્લાના ધારાસભ્ય વિજયભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ડાંગ જિલ્લા સંઘ સંચાલક માનનીય કૃષ્ણકાંતભાઈ તથા વઘઈ તાલુકા સંઘ કાર્યવાહ કેતનભાઈ સહિતના આગેવાનો, મહાનુભાવો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનું વિશેષ આકર્ષણ વઘઈ નગરમાં યોજાયેલું શિસ્તબદ્ધ પથ સંચલન રહ્યું હતું. ગણવેશધારી સ્વયંસેવકોની શિસ્તબદ્ધ કતારો નગરના માર્ગો પરથી પસાર થતાં ગ્રામજનોએ ઠેરઠેર પુષ્પવર્ષા કરીને તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. નગરમાં ઉત્સાહ અને રાષ્ટ્રભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ૧૦૦ વર્ષ પૂર્ણ થયા બાદ ૧૦૧મા વર્ષમાં પ્રવેશના સંદર્ભમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સંગઠનશક્તિ, રાષ્ટ્રસેવા, સામાજિક સમરસતા અને વ્યક્તિ નિર્માણના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. વિજયાદશમીના પાવન પર્વે યોજાયેલો આ કાર્યક્રમ વઘઈમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો