વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

વાંસદા ગ્રામ પંચાયતની હકારાત્મક પહેલથી લાંબા સમયની માંગ સંતોષાવાની દિશામાં કામગીરી શરૂ, રહીશોએ સરપંચ સહિત પંચાયતનો આભાર માન્યો….
મહિડા સાહેબની વાડીના રહીશોની લાંબા સમયથી ચાલી આવતી હાઈમાસ્ટ ટાવર લાઈટની માંગને ધ્યાનમાં રાખીને ગ્રામ પંચાયત દ્વારા હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે. સ્થાનિક રહીશોની રજૂઆતને પગલે હાઈમાસ્ટ ટાવર લાઈટના સ્થાપન કાર્યનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવતાં વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, મહિડા સાહેબની વાડીના રહીશોએ હાઈમાસ્ટ ટાવર લાઈટની જરૂરિયાત અંગે ગ્રામ પંચાયતના સભ્ય હિતેશભાઈ રાજુભાઈ મોહિતે સમક્ષ રજૂઆત કરી હતી. આ રજૂઆતને ધ્યાનમાં રાખીને હિતેશભાઈએ સરપંચ ગુલાબભાઈ પટેલને વાડીના રહીશોની સમસ્યાથી વાકેફ કર્યા હતા. સરપંચ દ્વારા તાત્કાલિક હકારાત્મક પ્રતિસાદ આપી હાઈમાસ્ટ ટાવર લાઈટની મંજૂરી આપવામાં આવતાં ખાતમુહૂર્તની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ પ્રસંગે મુસ્લિમ સમાજના અગ્રણીઓ યાસીરભાઈ, અનવરભાઈ, શિરાજભાઈ, આરિફભાઈ, શબ્બીરભાઈ, ઉમેરભાઈ, હાફિઝભાઈ સહિત રાકેશભાઈ શર્મા, ભુપેન્દ્રભાઈ પટેલ, પદ્યુમનસિંહ સોલંકી, રમેશભાઈ સોલંકી, વિનોદભાઈ સોલંકી, મહેશભાઈ કુર્મી, રાજુભાઈ મોહિતે, વિનોદભાઈ શર્મા તેમજ તાલુકા પંચાયતના સભ્યો ધર્મેશભાઈ અને પંકજભાઈ સહિતના આગેવાનો અને સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા.
સ્થાનિક રહીશોએ પોતાની લાંબા સમયની જરૂરિયાતને પ્રાથમિકતા આપી તાત્કાલિક મંજૂરી અને સહકાર આપવા બદલ સરપંચ ગુલાબભાઈ પટેલ, ગ્રામ પંચાયતના સભ્યો તથા સમગ્ર ગ્રામ પંચાયતનો આભાર વ્યક્ત કર્યો હતો.
સ્થાનિક લોકોની જરૂરિયાતને સમજીને સમયસર હકારાત્મક નિર્ણય લેવામાં આવે તો વિકાસનાં કાર્યોને કેવી રીતે વેગ મળી શકે તેનું મહિડા સાહેબની વાડીમાં હાઈમાસ્ટ ટાવર લાઈટનું ખાતમુહૂર્ત એક સરાહનીય ઉદાહરણ બન્યું છે.









