લાલપુરમાં રૂ. ૨.૨૫ કરોડના વિદેશી દારૂ પર રોલર ફેરવાયું ૪૨ હજારથી વધુ બોટલોનો નાશ

લાલપુર, જામજોધપુર, શેઠવડાળા અને મેઘપર (પડાણા) પોલીસ મથકોમાં પકડાયેલા વિદેશી દારૂનો જથ્થો નષ્ટ કરાયોઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કાર્યવાહી
જામનગર
(નયના દવે દ્વારા)
જામનગર, તા. ૨: જામનગર જિલ્લામાં દારૂબંધીના કાયદા હેઠળ વિવિધ પોલીસ મથકોમાં પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો આજે સામૂહિક નાશ કરવામાં આવ્યો હતો. લાલપુર, જામજોધપુર, શેઠવડાળા અને મેઘપર (પડાણા) પોલીસ મથકોમાં નોંધાયેલા વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલા અંદાજે રૂ. ૨.૨૫ કરોડની કિંમતના વિદેશી દારૂની ૪૨ હજારથી વધુ બોટલોનો ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં જેસીબી અને રોલર વડે નાશ કરવામાં આવ્યો હતો.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈનીની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, લાલપુર વિભાગના લાલપુર, મેઘપર (પડાણા), શેઠવડાળા અને જામજોધપુર પોલીસ મથકોમાં જાન્યુઆરી ૨૦૨૬થી ઓગસ્ટ ૨૦૨૬ સુધીના સમયગાળા દરમિયાન વિવિધ ગુનાઓમાં પકડાયેલા વિદેશી દારૂની બોટલો તથા અન્ય મુદ્દામાલનો નાશ કરવા માટે સંબંધિત અદાલતો પાસેથી જરૂરી મંજૂરી મેળવવામાં આવી હતી.
આ મંજૂરી મળ્યા બાદ લાલપુર-જામનગર રોડ પર આવેલી ગવર્નમેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની પાછળ ઢાંઢર નદીના કાંઠે દારૂના જથ્થાનો નાશ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
લાલપુર પોલીસ મથકની ૩૩,૦૨૩, જામજોધપુર પોલીસ મથકની ૧,૩૪૬, શેઠવડાળા પોલીસ મથકની ૭,૮૦૫ અને મેઘપર (પડાણા) પોલીસ મથકની ૨૪૯ બોટલો સહિત કુલ ૪૨,૪૨૩ બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો. પ્રેસનોટમાં નષ્ટ કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂ. ૨,૨૫,૫૮,૩૧૫ દર્શાવવામાં આવી છે.આ કામગીરી દરમિયાન સરકારી સમિતિના અધ્યક્ષ અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, મદદનીશ પોલીસ અધિક્ષક, નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓ તેમજ સંબંધિત પોલીસ મથકોના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.દારૂની હજારો બોટલોને ખુલ્લી જગ્યામાં ગોઠવી તેના પર રોલર અને જેસીબી ફેરવી નાશ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.









