વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : દિવાળી અને આગામી તહેવારો દરમિયાન જાહેર સલામતી જળવાઈ રહે અને અકસ્માત કે આગની ઘટનાઓ ન બને તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા BNSS, ૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ ફટાકડાના વેચાણ, સંગ્રહ અને ઉપયોગ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામા અનુસાર, દિવાળીના તહેવારોમાં માત્ર રાત્રે ૮:૦૦ થી ૧૦:૦૦ વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે, જ્યારે નૂતન વર્ષના દિવસે રાત્રે ૧૧:૫૫ થી ૧૨:૩૦ વાગ્યા સુધી મંજૂરી રહેશે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ લડી (સિરીઝ ક્રેકર્સ), બેરિયમયુક્ત રસાયણવાળા અને અવાજનું ભારે પ્રદૂષણ ફેલાવતા ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. માત્ર PESO દ્વારા પ્રમાણિત ગ્રીન ફટાકડાનું જ વેચાણ અને ઉપયોગ થઈ શકશે. આ ઉપરાંત વિદેશી ફટાકડાની આયાત કે વેચાણ તેમજ ઈ-કોમર્સ સાઇટ્સ દ્વારા ઓનલાઇન વેચાણ પર મનાઈ ફરમાવાઈ છે. ચાઈનીઝ તુકકલ (સ્કાય લેન્ટર્ન)ના ઉત્પાદન, વેચાણ અને ઉડાડવા પર પણ પ્રતિબંધ રહેશે.
હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થા, અદાલત અને ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજ્યાના સાયલન્ટ ઝોન વિસ્તારમાં તેમજ પેટ્રોલપંપ, ગેસ ગોડાઉન અને સાંકડી બજારોમાં દારૂખાનું ફોડી શકાશે નહીં. આ હુકમ તા. ૩૧ ઓક્ટોબરથી તા. ૨૫ નવેમ્બર, ૨૦૨૬ સુધી અમલમાં રહેશે. નિયમનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ-૨૨૩ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે.









