વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલના અધ્યક્ષસ્થાને ઝાંઝરડા રોડ સ્થિત ધારાસભ્ય સંજય કોરડીયાની કચેરી ‘હોકારો’ ખાતે જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારના ૧૦૫ યોગ ટ્રેનરો માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમમાં શિશપાલે જણાવ્યું હતું કે યોગ માત્ર શારીરિક કસરત પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે માનવીમાં સદ્ગુણો અને સંવેદના કેળવી માણસમાંથી દેવત્વ તરફ લઈ જવાની આંતરિક યાત્રા છે. સમાજને નશામુક્ત અને સંસ્કારી બનાવવામાં યોગ ટ્રેનરોની ભૂમિકા મહત્ત્વની છે. તેમણે ટ્રેનરોને આત્મવિકાસ, સતત તાલીમ અને સકારાત્મક વિચારસરણી અપનાવી જીવનમાં ‘હેપીનેસ ઇન્ડેક્સ’ વધારવા પ્રેરિત કર્યા હતા. આ પ્રસંગે ટ્રેનરોને ૨૦ મિનિટનું ધ્યાન પણ કરાવવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય સંજય કોરડીયા, મનપા કોઓર્ડિનેટર વૈશાલી ચૂડાસમા, જિલ્લા કોઓર્ડિનેટર જયંતિ કાછડીયા તથા સોનલ બગડા સહિત ૧૦૫ યોગ ટ્રેનરો ઉપસ્થિત રહ્યા હતા.







