તા.૨/૧૧/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી દ્વારા જાહેરનામું જારી કરાયું
Rajkot: રાજકોટ શહેરમાં ખુલ્લા બોરકુવાને કારણે કોઈ વ્યક્તિ જીવલેણ અકસ્માતનો ભોગ ન બને તે હેતુથી શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા દ્વારા જાહેરનામું જારી કરવામાં આવ્યું છે. જેમાં બોરવેલ-કુવાને ખુલ્લા કે ફેન્સિંગ વિના રાખવા પર નિયંત્રણ મુકવામાં આવ્યા છે.
જાહેરનામામાં જણાવાયા મુજબ, જે-તે વિસ્તારમાં બોરવેલ બનાવતા પહેલા સંબંધિત વિભાગની મંજૂરી મેળવી હોવા અંગેની જાણ જમીન માલિક /બોર માલિક તથા બોર બનાવતી એજન્સીએ સંબંધિત પોલીસ સ્ટેશનના થાણા અધિકારીને કરાવવાની રહેશે.
બોરવેલ બનાવ્યા બાદ કોઈ જાનહાનિ થાય નહીં અથવા બોરવેલમાં કોઈ બાળક કે અન્ય વ્યક્તિ કે પ્રાણી પડી ન જાય તેમજ અકસ્માત ન સર્જાય તે માટે બોરવેલની ફરતે મજબૂત ફેન્સિંગ વાડ, દીવાલ કરાવવાની રહેશે અને તેની ખાતરી સંબંધિત પોલીસ સ્ટેશનને કરાવવાની રહેશે. જૂના, બંધ પડેલા તથા અવાવરું પરિસ્થિતિમાં હોય તેવા બોરવેલના જમીન માલિકોએ બોરવેલની પાઈપ લાઇન બંધ કરવા ઉપરાંત ઉપરોક્ત કાળજી રાખવાની રહેશે.
આ જાહેરનામું તા.૩૧ ડિસેમ્બર, ૨૦૨૬ સુધી અમલમાં રહેશે, જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.









