તા.૨/૧૧/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
શહેર પોલીસ કમિશનરશ્રી દ્વારા મિલકત ભાડે આપવા પર નિયંત્રણો મૂકતુ જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
ભાડુઆતની સંપૂર્ણ વિગતો ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરવા સાથે પોલીસ સ્ટેશનમાં પણ આપવાની રહેશે
Rajkot: રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં મકાન ભાડે રાખીને રહેતા અસામાજિક તત્વોની અનિચ્છનીય પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારમાં મકાનો, ઔદ્યોગિક એકમો, ઓફિસો, દુકાનો, ગોડાઉનો, કોલ્ડ સ્ટોરેજ ભાડે આપતા માલિકો, સંચાલકો માટે રાજકોટ શહેરના પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા દ્વારા અમુક પ્રકારના નિયંત્રણો મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
જે મુજબ કોઈ ઔદ્યોગિક એકમો, મકાનો, ઓફિસો, દુકાનો, ગોડાઉનો, કોલ્ડ સ્ટોરેજના માલિકો અથવા માલિકે ખાસ સત્તા આપેલ સંચાલકો સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા વિના કોઈ વ્યક્તિને પોતાની મિલકત ભાડે આપી શકશે નહીં. વધુમાં Citizen Portal, Citizen First Application મારફતે તેનું ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ કરાવવાનું રહેશે.
ભાડે આપેલી સંબંધિત મિલકતની વિગતો ભાડુઆત અને સંબંધિત મિલકતના સંચાલક કે જેઓએ ભાડુઆતની ઓળખાણ આપેલ હોય તે અંગે તમામે બાંધકામ, ભાડાની રકમ, ભાડુઆતના આધાર પુરાવા સહિતની જરૂરી માહિતી જે-તે વિસ્તારના પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે.
સંબંધિત મિલકત માલિકો કે તેમના દ્વારા નિયુક્ત ખાસ વ્યકિત/સંચાલકો અને ભાડે રાખનાર વ્યકિતએ જે-તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવાની રહેશે અને સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા નિયત નમુના મુજબનું ફોર્મ આપવામાં આવે, તે ફોર્મ ભરી જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં વિગતો આપવાની રહેશે. આ અંગે પો.સ્ટે.ના ઓફિસરે રજીસ્ટર નિભાવવાનું રહેશે. આ હુકમ તા. ૩૧/૧૨/૨૦૨૬ સુધી અમલમાં રહેશે, જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે









