વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : કૃષિ યુનિવર્સિટીની લાઈબ્રેરી, ઇન્ફ્લિબનેટ (INFLIBNET) સેન્ટર – ગાંધીનગર તથા ‘વન નેશન વન સબસ્ક્રિપ્શન’ (ONOS) – ICARના સંયુક્ત ઉપક્રમે પશ્ચિમ ઝોન માટે એક દિવસીય ટ્રેનિંગ-કમ-અવેરનેસ પ્રોગ્રામ યોજાયો હતો.
યુનિવર્સિટીના કુલપતિ ડો. વી. પી. ચોવટીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે નિવૃત્ત વૈજ્ઞાનિક ડો. પી. એસ. ગોધાણી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સંશોધન નિયામક ડો. એ. જી. પાનસુરીયા, વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એન. બી. જાદવ, CeRA-ICARના ઇન-ચાર્જ ડો. એચ. કે. ત્રિપાઠી, ઇન્ફ્લિબનેટના વૈજ્ઞાનિક-ડી ડો. કૃતિ ત્રિવેદી, ડો. દિનેશ રંજન પ્રધાન તેમજ કૃષિ મહાવિદ્યાલયના આચાર્ય અને ડીન ડો. પી. ડી. કુમાવત સહિતના અધિકારીઓ જોડાયા હતા.
પશ્ચિમ ક્ષેત્રની ૨૮થી વધુ સંસ્થાઓના આશરે ૧૨૦ પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ઉચ્ચ શિક્ષણ તથા સંશોધન સંસ્થાઓના અધ્યાપકો અને વૈજ્ઞાનિકોને ઉચ્ચ ગુણવત્તાવાળા આંતરરાષ્ટ્રીય રિસર્ચ જર્નલ્સ તથા શૈક્ષણિક ઈ-સંસાધનો સરળતાથી પૂરા પાડવાનો છે. વિવિધ કોલેજોના આચાર્યો અને વિભાગીય વડાઓની ઉપસ્થિતિ વચ્ચે અંતમાં સહભાગીઓને પ્રમાણપત્ર વિતરણ કરાયું હતું. લાઈબ્રેરી ઇન-ચાર્જ તથા કાર્યક્રમ સંયોજક ડો. પી. એસ. શર્માએ આભારવિધિ આટોપી હતી.







