વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ભ્રષ્ટાચારના નિર્મૂલન માટે જનજાગૃતિ કેળવવા તેમજ સરકારી વહીવટી તંત્રમાં પારદર્શિતા, જવાબદારી અને નૈતિક મૂલ્યોને વધુ સુદૃઢ બનાવવાના આશયથી રાજ્ય સરકાર દ્વારા તા. ૩૧-૧૦-૨૦૨૬ થી તા. ૦૫-૧૧-૨૦૨૬ દરમિયાન “સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૬”નું આયોજન કરવામાં આવ્યું છે. આ સપ્તાહ અંતર્ગત રાજ્યના તમામ વિભાગો, ખાતાના વડાઓ, કચેરીઓ, બોર્ડ-નિગમો, જાહેર સાહસો અને સ્થાનિક સત્તા મંડળો દ્વારા વિવિધ જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
આ ઉજવણીના ભાગરૂપે આજરોજ નવસારી જિલ્લાની માહિતી કચેરી ખાતે કર્મયોગીઓ દ્વારા “સત્યનિષ્ઠાથી સમૃદ્ધિ” થીમ હેઠળ “ફરજ પ્રત્યે નિષ્ઠા”ના સામૂહિક શપથ લેવામાં આવ્યા હતા. આ પ્રસંગે કર્મચારીઓએ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક, પ્રામાણિકતા અને જવાબદારી સાથે નિભાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
વધુમાં, જાહેર સેવાઓમાં પારદર્શકતા જાળવવા, ભ્રષ્ટાચારથી દૂર રહેવા, કોઈપણ પ્રકારની ગેરરીતિ સામે અવાજ ઉઠાવવા અને નાગરિકોના હિતને સર્વોપરી રાખીને કામગીરી કરવાનો દૃઢ સંકલ્પ કરવામાં આવ્યો હતો. આ શપથ દ્વારા સ્વચ્છ, જવાબદાર અને ભ્રષ્ટાચારમુક્ત વહીવટી વ્યવસ્થાના નિર્માણમાં સહભાગી બનવાનો સંદેશ આપવામાં આવ્યો છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા તમામ સંસ્થાઓ અને નાગરિકોને ભ્રષ્ટાચાર મુક્ત સમાજના નિર્માણ માટે આ જનજાગૃતિ અભિયાનમાં સક્રિય સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.





