દિવાળીના પર્વે જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર ખુશીનું સ્મિત રેલાય તેવા ઉમદા હેતુ સાથે ભારત વિકાસ પરિષદ, કેશોદ શાખા દ્વારા ‘જૂનાં રમકડે, નવું સ્મિત’ નામનો અનોખો સેવાકીય પ્રકલ્પ યોજવામાં આવ્યો હતો. આ અભિયાન અંતર્ગત કેશોદના નગરજનો પાસેથી એકત્રિત કરાયેલાં જૂનાં પરંતુ ઉપયોગી રમકડાં અને સાયકલોનું દીનદયાળ ઉપાધ્યાય બગીચા ખાતે વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ પ્રતીક્ષાબેન દેવળીયા, નગરપાલિકાની ટીમ સહિત શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય અને વંદે માતરમ્ સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. ભારત વિકાસ પરિષદના શાખા પ્રમુખ આર.પી. સોલંકીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ડ્રો પદ્ધતિથી મહેમાનોના હસ્તે બાળકોને રમકડાં અને સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રકલ્પ અંતર્ગત અંદાજે 300 જેટલાં રમકડાં, 20 મોટી સાયકલો, 10 નાની સાયકલો અને 7 બેબી સાયકલો સહિત વિવિધ ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહેમાનોએ પરિષદની આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી આર્થિક સહયોગ પણ આપ્યો હતો. કેશોદના નગરજનોએ ઉદાર હાથે રમકડાંનું દાન આપી પ્રકલ્પને સફળ બનાવવામાં સહભાગી બન્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીતેન્દ્રભાઈ ધોળકિયાએ કર્યું હતું. કોઈના ઘરમાં વર્ષોથી ઉપયોગ વિના પડેલાં રમકડાં જ્યારે જરૂરિયાતમંદ બાળકના ચહેરા પર ખુશીનું કારણ બને ત્યારે દાન અને સેવાનો સાચો હેતુ સાકાર થાય છે. સમાજની સંવેદના, સહકાર અને સેવાભાવનું સુંદર ઉદાહરણ પૂરું પાડતા આ પ્રકલ્પ દ્વારા બાળકોની દિવાળી યાદગાર બની હતી. ભારત વિકાસ પરિષદે આ સેવાયજ્ઞમાં સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓ, નગરજનો, મહેમાનો અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ








