કનુભાઈ સુખડિયા સહિત વૃક્ષપ્રેમીઓએ મહાનગરપાલિકા કમિશનરને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી અને ત્રણ ગણાં વૃક્ષો વાવવાની કરી માંગ


વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી શહેરમાં અદાલત પરિસરમાં પ્રવેશવાના માર્ગ પર ઊભેલાં વૃક્ષો કાપવામાં આવતાં પર્યાવરણપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજરોજ પર્યાવરણપ્રેમી કનુભાઈ સુખડિયા સહિત વૃક્ષપ્રેમી સાથી મિત્રોએ નવસારી મહાનગરપાલિકાના કમિશનરશ્રીને આવેદનપત્ર પાઠવી વૃક્ષો કાપવાની ઘટના અંગે ઉગ્ર રજૂઆત કરી હતી અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે વૃક્ષો માત્ર પર્યાવરણની શોભા નથી, પરંતુ માનવજીવન અને પ્રકૃતિના અસ્તિત્વનો આધાર છે. વૃક્ષો થકી ઓક્સિજન મળે છે, પક્ષીઓને આશ્રય મળે છે તેમજ પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે છે. આવા સંજોગોમાં પરવાનગી વિના વૃક્ષો કાપવાની પ્રવૃત્તિ ગંભીર બાબત છે.
વૃક્ષપ્રેમીઓએ માંગ કરી હતી કે અદાલત પરિસરમાં પ્રવેશવાના માર્ગ પર કાપવામાં આવેલાં વૃક્ષો અંગે તટસ્થ તપાસ કરવામાં આવે અને જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી દંડાત્મક પગલાં ભરવામાં આવે. એટલું જ નહીં, જેટલાં વૃક્ષો કાપવામાં આવ્યાં છે તેના ત્રણ ગણા વૃક્ષોનું તાત્કાલિક વાવેતર કરવામાં આવે અને અગાઉ કાપવામાં આવેલાં વૃક્ષો જેટલાં વર્ષ જૂનાં હતાં તેટલાં વર્ષો સુધી નવાં વાવેલાં વૃક્ષોનું યોગ્ય જતન કરવાની જવાબદારી પણ નક્કી કરવામાં આવે.
વધુમાં, આ સમગ્ર ઘટનામાં કોઈ સરકારી કર્મચારી કે અધિકારીની સંડોવણી સામે આવે તો તેમની સામે ખાતાકીય તપાસ હાથ ધરી કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી હતી.
પર્યાવરણપ્રેમીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે વૃક્ષોનું જતન કરવું એ દરેક નાગરિકની ફરજ છે. સરકાર દ્વારા ‘એક પેડ માં કે નામ’ જેવા અભિયાનો ચલાવવામાં આવે છે, ત્યારે બીજી તરફ વૃક્ષોનું બિનજરૂરી કટીંગ થવું ચિંતાજનક છે. વૃક્ષોનું રક્ષણ અને જવાબદારો સામે કડક કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલનાત્મક માર્ગ અપનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.










