કેન્દ્ર સરકારે અગ્નિવીર યોજનામાં મોટો સુધારો કરવાનો નિર્ણય લીધો છે. ન્યૂઝ એજન્સી ANI દ્વારા સંરક્ષણ મંત્રાલયના સૂત્રોના હવાલેથી મળેલી માહિતી અનુસાર, સેનાના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે કે, 2 વર્ષની સેવા પૂર્ણ કરનારા તમામ અગ્નિવીરોને ભારતીય સેનામાં કાયમી ધોરણે સમાવી લેવામાં આવશે. આ અહેવાલ એવા સમયે સામે આવ્યા છે જ્યારે સરકારે બુધવારે જાહેરાત કરી હતી કે 4 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરીને સેવામુક્ત થનારા અગ્નિવીરોને 2 વર્ષનું વધારાનું સેવા વિસ્તરણ અપાશે. ત્યારબાદ નિયત નિયમો અને શરતો પૂર્ણ કરનારા તથા સંમતિ આપનારા અગ્નિવીરોને કાયમી ભરતીની તક મળશે.

આ અંગે સીડીએસ જનરલ એન. એસ. રાજા સુબ્રમણિએ અગાઉ જણાવ્યું હતું કે, વર્તમાન જોગવાઈ મુજબ 25 ટકા અગ્નિવીરોને યોગ્યતાના આધારે નિયમિત દળોમાં સામેલ કરવામાં આવે છે, જ્યારે બાકીના 75 ટકા જવાનો સેવામાંથી મુક્ત થઈ જાય છે. નવા ફેરફારો હેઠળ આ 75 ટકા અગ્નિવીરોને 2 વર્ષના વધારાના સેવા કાર્યકાળની ઓફર કરવામાં આવશે. આ વિસ્તૃત સમયગાળો પૂર્ણ થયા બાદ નિર્ધારિત પસંદગીના માપદંડો પૂરા કરનારા અને સેવા ચાલુ રાખવા ઈચ્છુક અગ્નિવીરોને સશસ્ત્ર દળોમાં કાયમી ધોરણે સામેલ કરવામાં આવશે.
અગ્નિપથ યોજના હેઠળ 17.5 થી 21 વર્ષની વયના યુવાનોને 4 વર્ષના કાર્યકાળ માટે ભરતી કરવાની જોગવાઈ છે. કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષોએ યોજના સામે સવાલો ઉઠાવ્યા હતા કે 4 વર્ષ પછી સેવામાંથી બહાર થનારા 75 ટકા અગ્નિવીરોનું ભવિષ્ય શું રહેશે, કારણ કે માત્ર 25 ટકા જવાનોને જ 15 વર્ષ માટે નિયમિત સેવામાં રાખવામાં આવતા હતા. વિપક્ષના આ વિરોધ અને ચિંતાઓ વચ્ચે સરકારે યોજનામાં આ મહત્વપૂર્ણ સુધારો લાગુ કર્યો છે.










