મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ કેરળ સરકારે તેમના જૂના કાર્યકાળ સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસનો રસ્તો સ્પષ્ટ કરી દીધો છે. કેરળના મંત્રી રમેશ ચેન્નિતલાએ જણાવ્યું કે તેમણે જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ રાજ્યના વિજિલન્સ એન્ડ એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે VACB દ્વારા તપાસ કરવાની સરકારી મંજૂરી આપી દીધી છે. આ મામલો તે સમયનો છે, જ્યારે જ્ઞાનેશ કુમાર કેરળમાં લોક નિર્માણ વિભાગ એટલે કે PWDના સચિવ હતા.

મંત્રી રમેશ ચેન્નિતલાના જણાવ્યા અનુસાર સજ્જન કુમાર નામના વ્યક્તિએ આરોપ લગાવ્યો છે કે, PWD સચિવ તરીકેના કાર્યકાળ દરમિયાન જ્ઞાનેશ કુમારે રોડ પ્રોજેક્ટના બિલ પાસ કરવા માટે રૂપિયા 2 કરોડની લાંચ માંગી હતી. આ મામલો ‘PATI-BEL’ નામના કન્સોર્ટિયમ સાથે જોડાયેલો છે, જે થિરુવનંતપુરમથી અંગમાલી સુધીના મેન સેન્ટ્રલ રોડ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું હતું.
આ કેસમાં મલેશિયાઈ કંપનીના પ્રોજેક્ટ ઓફિસર લી સી બીનની આત્મહત્યાનો પણ ઉલ્લેખ છે. આરોપ છે કે, PWD દ્વારા બિલોનું ચુકવણું ન થવાને કારણે કંપની પર આર્થિક દબાણ વધ્યું હતું, જેના લીધે તેમણે આત્મહત્યા કરી હતી.
ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 17A હેઠળ તપાસ શરૂ કરવા માટે સરકારની પૂર્વ મંજૂરી જરૂરી હોવાથી વિજિલન્સ વિભાગની કાનૂની સલાહ બાદ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરીને આ મંજૂરી આપવામાં આવી છે. વર્ષ 2006માં પણ આ અંગે તપાસ શરૂ થઈ હતી, પરંતુ ત્યારે તેને બંધ કરી દેવામાં આવી હતી, જેને હવે નવી ફરિયાદોના આધારે ફરી આગળ વધારવામાં આવી રહી છે.










