તારીખ ૦૬/૧૧/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં ઓનલાઈન છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ફેસબુક પર દુબઈમાં રહેતા જૂના મિત્રના નામે ફેક આઈડી બનાવી ગઠિયાઓએ વેજલપુરના એક આધેડ પાસેથી રૂપિયા એક લાખની ઠગાઈ આચરી છે.
ફરિયાદી સિરાજભાઈ સિકંદરભાઈ મન્સૂરી (ઉ.વ. ૫૧, ધંધો ડ્રાઈવિંગ, રહે. વેજલપુર) ને તારીખ ૦૧/૧૧/૨૦૨૬ ના રોજ બપોરે તેમના ફેસબુક મેસેન્જર પર હિન્દીમાં ‘તારિક શેખ’ ના નામની ફેક ફેસબુક આઈડી પરથી હેલ્લો મેસેજ આવ્યો હતો. ફરિયાદી વર્ષ ૨૦૦૮ થી ૨૦૧૦ દરમિયાન સાઉદી અરેબિયામાં તેમના મિત્ર તારિક શેખ સાથે ડ્રાઈવિંગ કરતા હતા, જેથી તેઓએ સાચો મિત્ર સમજી વાતચીત શરૂ કરી હતી. જેમાં ગઠિયાએ મેસેન્જરમાં વાત કરી જણાવ્યું કે તે દુબઈમાં ફસાઈ ગયો છે, વિઝા પૂરો થઈ ગયો છે અને ઘરે આવવા માટે તેને પૈસાની જરૂર છે. તેણે ફરિયાદીને વિશ્વાસમાં લઈ બેંક પાસબુકનો ફોટો મંગાવ્યો અને સામે સિટી બેંકની પાવતીનો ફોટો મોકલી રૂ. ૫,૮૫,૭૦૦ તેમના ખાતામાં જમા કરાવ્યાનું જણાવ્યું હતું.ત્યારબાદ અલગ અલગ નંબર પરથી પોતાને બેંકમાંથી બોલતો હોવાનું કહી ફોન કરાવ્યા બાદ, બીજા આરોપીના કહેવા મુજબ હાજી અબુ બક્કર નામના વિઝા એજન્ટને પૈસા મોકલવા જણાવ્યું હતું.ફરિયાદીના જણાવ્યા મુજબ, આરોપીઓએ વોટ્સએપ પર અલગ-અલગ UPI ID મોકલી કુલ ત્રણ તબક્કામાં રૂપિયા ૧,૦૦,૦૦૦ તેમના BOB વેજલપુર શાખાના ખાતામાંથી ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા.બીજા દિવસે ફરિયાદીએ મેસેજ કરતા કોઈ જવાબ ન મળતા અને મૂળ મિત્ર તારિક શેખનો સંપર્ક કરતા તેને કોઈ મેસેજ કર્યો જ ન હોવાનું બહાર આવ્યું હતું, ત્યારે પોતે છેતરાયા હોવાનું માલૂમ પડ્યું હતું.આ અંગે ફરિયાદીએ 1930 હેલ્પલાઇન નંબર પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ આજરોજ વેજલપુર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.









