છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરના લક્ષ્મી રોડ પર વીજ પોલમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવતાં આસપાસના દુકાનદારો અને સ્થાનિક લોકોમાં અફરાતફરી સાથે ભયનો માહોલ સર્જાયો હતો. વીજ પોલમાં આગ લાગવાના કારણે પોલ પરથી ચાલુ વીજ વાયર લટકતો જોવા મળ્યો હતો, જેના પગલે મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ પણ ઊભી થઈ હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકોએ તાત્કાલિક MGVCL વિભાગને જાણ કરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થવા પામી નથી. જોકે, સ્થાનિકોના જણાવ્યા અનુસાર બોડેલી વિસ્તારમાં અવારનવાર આ પ્રકારની વીજ સંબંધિત ઘટનાઓ બનતી હોવાના કારણે લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે વીજ પોલમાં આગ લાગવી કે ચાલુ વીજ વાયર રસ્તા પર લટકતા રહેવા જેવી ગંભીર બેદરકારી સામે જવાબદાર કોણ? જો આવી ઘટનામાં કોઈ નિર્દોષ વ્યક્તિ કે રાહદારીને નુકસાન થાય અથવા જાનહાનિ સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? શું વીજ વિભાગ કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યું છે? ત્યારે સ્થાનિકોએ વીજ વિભાગ પાસે વીજ પોલ અને વીજ લાઈનોની તાત્કાલિક તપાસ કરી જરૂરી સમારકામ હાથ ધરવા તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે યોગ્ય તકેદારી રાખવાની માંગ ઉઠાવી છે.