દીપાવલી પર્વે રંગોળી દ્વારા મહિલા સશક્તિકરણ અને જનજાગૃતિનો સંદેશ આપતું જામનગર જિલ્લા વહીવટી તંત્ર

જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના પરિસરમાં મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા આકર્ષક સંદેશાત્મક રંગોળી તૈયાર કરાઈ
જામનગર
(નયના દવે દ્વારા)
જામનગર તા.૬ નવેમ્બર, દીપાવલીના પાવન પર્વ નિમિત્તે મહિલા સશક્તિકરણ, મહિલા સુરક્ષા અને મહિલાઓના અધિકારો અંગે જનજાગૃતિ કેળવવાના હેતુથી જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના પરિસરમાં આકર્ષક અને સંદેશાત્મક રંગોળી તૈયાર કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રી પી.બી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી અંતર્ગત કાર્યરત સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન (DHEW)ના સ્ટાફ દ્વારા આ રંગોળી તૈયાર કરવામાં આવી હતી.
રંગોળીના માધ્યમથી મહિલા સશક્તિકરણ, મહિલાઓની સુરક્ષા, મહિલા હેલ્પલાઇન 181, દીકરીઓના અધિકારો તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલી વિવિધ યોજનાઓ અને સેવાઓ અંગે કલાત્મક રીતે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. તહેવારની ઉજવણી સાથે મહિલાઓમાં જાગૃતિ, આત્મવિશ્વાસ અને સ્વાવલંબનનો સંદેશ જનસમુદાય સુધી પહોંચાડવાનો આ પહેલનો મુખ્ય ઉદ્દેશ રહ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી પી.બી. પંડ્યા દ્વારા જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડો. પૂજાબેન ડોડીયા, DHEWના જિલ્લા મિશન કો-ઓર્ડિનેટર શ્રીમતી બંસીબેન ખોડિયાર, સમગ્ર ટીમ તથા વન સ્ટોપ સેન્ટર (OSC)ના સ્ટાફની આ સર્જનાત્મક અને જનજાગૃતિલક્ષી કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી.










