વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને થરાદમાં રૂ.૨૮૭ લાખના ખર્ચે નવનિર્મિત હડકાઈ માતાજી ગાર્ડનનું લોકાર્પણ કરાયું

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને થરાદ નગરપાલિકા વિસ્તારમાં લોકકલ્યાણ અર્થે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય સરકારની ‘સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અંતર્ગત અંદાજે રૂ. ૨૮૭.૦૦ લાખના ખર્ચે સાકાર થયેલ ‘હડકાઈ માતાજી ગાર્ડન તથા લેક ડેવલપમેન્ટ’ની કામગીરીનું વિધિવત લોકાર્પણ કરી પ્રજાજનો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

 

આ પ્રસંગે અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે, છેવાડાના વિસ્તારો સુધી સુવિધાઓ પહોંચાડી નગરજનોના જીવનધોરણને વધુ સુવિધાસભર અને સમૃદ્ધ બનાવવું એ સરકારની મુખ્ય નેમ છે. શહેરી વિસ્તારમાં આવા મનોરંજન અને કુદરતી વાતાવરણ પૂરું પાડતા પ્રોજેક્ટ્સ નાગરિકોના આરોગ્ય અને બાળકોના માનસિક-શારીરિક વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. તેમણે નગરપાલિકાની કામગીરીની સરાહના કરતાં સ્થાનિક લોકોને આ સુંદર પરિસરની સ્વચ્છતા અને જાળવણીમાં સહયોગ આપી પોતાની જાહેર મિલકત સમજી સંભાળ રાખવા અનુરોધ કર્યો હતો.

 

આ પ્રોજેક્ટ હેઠળ તળાવ અને ગાર્ડન પરિસરમાં સુંદર લેન્ડસ્કેપિંગ, આકર્ષક સ્ટ્રીટલાઈટ, નાગરિકો માટે સીટિંગ એરેન્જમેન્ટ, ગાઝેબો, એન્ટ્રી ગેટ તેમજ હયાત કમ્પાઉન્ડ વોલ અને ગ્રીલ રિનોવેશનની વિસ્તૃત કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પરિસરના પ્રવેશદ્વાર પર વુડન ટાઈઝ ફેરો સિમેન્ટ ગેટ તેમજ ગાર્ડન કેમ્પસમાં ટેન્સાઈલ ગાઝેબો તથા વુડન ટાઈપ ગાઝેબો ઊભા કરવામાં આવ્યા છે. તળાવની ફરતે વુડન ટાઈપ ગ્રીલ લગાવવાની સાથે સ્લોપ પ્રોટેક્શનમાં જૂના પથ્થર પીચીંગનું રિપેરિંગ કામ પણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે.

 

બાળકોના મનોરંજન અને શારીરિક વિકાસ માટે ખાસ ચિલ્ડ્રન પ્લે એરિયા તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ચેસ્ટ પ્રેસ, લેગ પ્રેસ, સાયકલ, આર્મ એક્સરસાઇઝર અને લપસણી જેવા આધુનિક રમતના સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. વિશેષરૂપે, થરાદમાં પ્રથમ વખત આ ગાર્ડનને સીસીટીવી કેમેરાથી સુસજ્જ કરવામાં આવ્યું છે, જેનાથી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થશે. તદુપરાંત, મુલાકાતીઓની સગવડતા માટે ગાર્ડન કેમ્પસમાં પે એન્ડ યુઝ શૌચાલયની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

 

આ પ્રસંગે થરાદ નગરપાલિકા પ્રમુખ શ્રી અર્જુનસિંહ વાઘેલા, જિલ્લા અગ્રણી શ્રી નરેશશ્રી ઠાકોર, પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સહિતના અગ્રણીઓ, અધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

 

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો