MORBI:મોરબી માર્કેટિંગ યાર્ડ સમિતિમાં મહાનગરપાલિકાના પ્રતિનિધિ તરીકે કાઉન્સિલર જીગ્નેશભાઈ કૈલાની નિમણૂક
મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ની ચૂંટણીના પરિણામો બાદ હવે વ્યવસ્થાપક સમિતિની રચના પ્રક્રિયા વેગવંતી બની છે. નિયમ અનુસાર માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થાપક કમિટીમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા (મહાનગરપાલિકા) માંથી એક પ્રતિનિધિ સભ્યની નિમણૂક કરવાની જોગવાઈ હેઠળ, મોરબી મનપાના વોર્ડ નંબર ૩ ના કોર્પોરેટર જીગ્નેશભાઈ હંસરાજભાઈ કૈલાની પસંદગી કરવામાં આવી છે.

આજે મળેલી મોરબી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. સભામાં જીગ્નેશભાઈ કૈલાના નામને મંજૂરી આપવામાં આવતા જ સાથી કોર્પોરેટરો અને પદાધિકારીઓએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
માર્કેટિંગ યાર્ડમાં મનપાના પ્રતિનિધિ તરીકે જીગ્નેશભાઈ કૈલા વેપારીઓ, ખેડૂતો અને સ્થાનિક તંત્ર વચ્ચે સંકલન સાધીને પ્રશ્નોના નિરાકરણ માટે મહત્વની ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.








