તા.૧૪/૯/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા, મંત્રીશ્રી રિવાબા જાડેજા અને સાંસદશ્રી જીતેન્દ્રભાઈ કણજારીયાએ ગોંડલથી યાત્રા પ્રસ્થાન કરાવી
Rajkot: ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ગોંડલ પહોંચેલી “સોમનાથથી વડનગર બાઇક યાત્રા”ને કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા, રાજ્ય શિક્ષણ મંત્રીશ્રી રિવાબા જાડેજા તેમજ સાંસદશ્રી જીતેન્દ્રભાઈ કણજારીયાએ આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતેથી લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી. આ પ્રસંગે માર્કેટિંગ યાર્ડના ચેરમેનશ્રી અલ્પેશભાઈ ઢોલરીયા સહિત અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ તકે મંત્રીશ્રીઓ તથા સાંસદશ્રી યુવાનો સાથે બાઇક પર બેસીને યાત્રામાં જોડાયાં હતાં. ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’ના નાદથી આગળ વધેલી બાઇક યાત્રાને શહેરીજનો દ્વારા ઠેર–ઠેર આવકાર મળ્યો હતો.

શ્રમ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા, શિક્ષણ રાજ્યમંત્રી શ્રી રિવાબા જાડેજા તેમજ રાજ્યસભાનાં સાંસદશ્રી જીતેન્દ્રભાઈ કણજારીયા સહિતના મહાનુભાવોએ યાત્રામાં જોડાયેલા યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો.
ગોંડલથી પ્રસ્થાન થયેલી આ યાત્રા આટકોટ, જસદણ અને વિંછીયા તરફ આગળ વધી હતી. આ બાઇક યાત્રામાં વિશાળ સંખ્યામાં યુવાનો ઉત્સાહભેર જોડાયા છે.
આ પ્રસંગે મહાનુભાવોએ બાઇક રેલીના માધ્યમથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતનાં સંકલ્પને સિદ્ધ કરવા સૌ યુવાનોને સંકલ્પબદ્ધ થવા આહવાન કર્યું હતું.









