કચ્છના ખેડૂતોને આધુનિક ખેતીનું જ્ઞાન આપવા ત્રણ દિવસીય પ્રેરણા પ્રવાસ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.

ભચાઉ,તા-૧૪ સપ્ટેમ્બર : કચ્છ જિલ્લાના ૪૫ ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ, નવીન કૃષિ ટેકનોલોજી, મૂલ્યવર્ધન, વૈકલ્પિક આવકના સ્ત્રોતો તથા પ્રાકૃતિક કૃષિ અંગે પ્રાયોગિક જ્ઞાન મળી રહે તે હેતુથી સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ યોજના અંતર્ગત વિભાગીય સંશોધન કેન્દ્ર, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, ભચાઉ દ્વારા તા. ૯ થી ૧૧ સપ્ટેમ્બર દરમિયાન ત્રણ દિવસીય જિલ્લા બહારનો પ્રેરણા પ્રવાસ યોજાયો હતો. પ્રવાસ દરમિયાન ખેડૂતોને ભચાઉ–અમદાવાદ–આણંદ–ગાંધીનગર–ભચાઉ રૂટ પર વિવિધ કૃષિ સંસ્થાઓ, ઉત્પાદન એકમો, પ્રગતિશીલ ખેડૂતો તથા કૃષિ પ્રદર્શનની મુલાકાત કરાવવામાં આવી હતી. અમદાવાદ ખાતે મશરૂમ ઉત્પાદન એકમની મુલાકાત દરમિયાન ખેડૂતોને મર્યાદિત જમીન અને કુદરતી સંસાધનોમાં મશરૂમ ઉત્પાદન કરીને વધારાની આવક મેળવવાની શક્યતાઓ તથા ઉત્પાદન પદ્ધતિ અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આણંદ ખાતે એશિયાની સૌથી મોટી અને કોઓપરેટીવ સેક્ટરનું ઉત્તમ ઉદાહરણ એવી અમૂલ ડેરીની મુલાકાત દરમિયાન ખેડૂતોને દૂધ ઉત્પાદન, દૂધની ગુણવત્તા જાળવણી, દૂધના સંગ્રહ અને પ્રક્રિયા તેમજ વિવિધ દૂધ આધારિત ઉત્પાદનોના મૂલ્યવર્ધન અંગે માહિતી આપવામાં આવી હતી. ખેડૂતોને સહકારી ધોરણે કૃષિ અને પશુપાલન આધારિત વ્યવસાયને સંગઠિત કરીને આવકમાં વધારો કરી શકાય તે અંગે પણ માર્ગદર્શન મળ્યું હતું. આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ખેડૂતોને મેડિસિનલ એન્ડ એરોમેટિક પ્લાન્ટ યુનિટ, બાગાયત ફાર્મ, બાગાયત પાકોમાં મૂલ્યવર્ધન, ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી યુનિટ તથા જૈવિક નિયંત્રણ વિભાગની મુલાકાત કરાવવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ખેડૂતોને બાગાયત, ઔષધીય અને સુગંધિત પાકો તેમજ કૃષિ પેદાશોના મૂલ્યવર્ધન દ્વારા આવક વધારવાની તકો અંગે પ્રાયોગિક માહિતી મળી હતી.પ્રવાસ દરમિયાન પ્રગતિશીલ ખેડૂતોના ખેતરની મુલાકાત પણ લેવામાં આવી હતી, જ્યાં પ્રાકૃતિક કૃષિ અપનાવી સફળ ખેતી કરતા ખેડૂતોના અનુભવો તથા ખેતી પદ્ધતિઓ અંગે માહિતી મેળવવામાં આવી હતી. આ મુલાકાતથી ખેડૂતોને સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ અપનાવવા તથા ખેતી ખર્ચમાં ઘટાડો કરી ટકાઉ આવક મેળવવા માટે પ્રેરણા મળી હતી.ગાંધીનગર ખાતે યોજાયેલા ૧૫મી એગ્રી એશિયા એક્ઝિબિશનની મુલાકાત દરમિયાન ખેડૂતોને કૃષિ ક્ષેત્રમાં આવેલી આધુનિક અને નવીન ટેકનોલોજીથી પરિચિત થવાની તક મળી હતી. પ્રદર્શન દરમિયાન ખેડૂતો દ્વારા હાઇડ્રોપોનિક્સ ટેકનોલોજી, ડ્રોન આધારિત કૃષિ સેવાઓ, પ્રાકૃતિક ખેતી, ફાર્મ ઑટોમેશન, સ્માર્ટ સિંચાઈ વ્યવસ્થા, આધુનિક કૃષિ યંત્રો તથા વિવિધ એગ્રી-સ્ટાર્ટઅપ્સ દ્વારા વિકસાવવામાં આવેલી નવીન ટેકનોલોજી અને સેવાઓની માહિતી મેળવવામાં આવી હતી. ખાસ કરીને ઓછા પાણીમાં ખેતી, શ્રમ અને ખેતી ખર્ચમાં ઘટાડો, પાક વ્યવસ્થાપનમાં ટેકનોલોજીનો ઉપયોગ તથા ઉત્પાદનક્ષમતા વધારવા માટેની નવીન પદ્ધતિઓ અંગે ખેડૂતોને ઉપયોગી માર્ગદર્શન મળ્યું હતું.યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. રાજેશ્વર સિંઘ ચંદેલ તથા વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. પી. એસ. પટેલના માર્ગદર્શન, પ્રેરણા અને સહયોગથી આ પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રના વડા ડૉ. આર. એમ. જાડેજાના નેતૃત્વ હેઠળ યોજાયેલા આ પ્રવાસ દરમિયાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉ. યોગેશ રાઠવા તથા શ્રી રાજ પરવાડિયાએ ખેડૂતો સાથે રહી પ્રવાસનું સંકલન કર્યું હતું તેમજ જરૂરી માર્ગદર્શન અને સહયોગ પૂરો પાડ્યો હતો.કચ્છના ખેડૂતો માટે યોજાયેલા આ પ્રેરણા પ્રવાસથી પરંપરાગત ખેતીની સાથે આધુનિક ટેકનોલોજી, વૈકલ્પિક ખેતી પ્રવૃત્તિઓ, પશુપાલન આધારિત આવક, મૂલ્યવર્ધન તથા પ્રાકૃતિક કૃષિને અપનાવી ખેતીને વધુ નફાકારક, વૈવિધ્યસભર અને ટકાઉ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રેરણા મળી હતી.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો