MORBI :મોરબી મહાનગરપાલિકા ફાયર વિભાગ એક્શન મોડમાં: ગરબા ક્લાસીસમાં ૪૦૦થી વધુ લોકોને ટ્રેનિંગ અપાઈ, શાળામાં સફળ મોકડ્રીલ યોજાઈ

મોરબી:શહેરમાં આગ કે કટોકટી જેવી આપદાઓ સામે જનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવા મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ફાયર વિભાગે તાજેતરમાં ૪ ગરબા ક્લાસીસમાં ટ્રેનિંગ આપવાની સાથે શક્ત શનાળા સ્થિત ઓમ શાંતિ સ્કૂલમાં સફળ મોકડ્રીલ યોજી ટીમની ત્વરિત કામગીરીનું પ્રદર્શન કર્યું હતું.

ગરબા ક્લાસીસમાં ફાયર સેફ્ટી તાલીમ અને તપાસ આગામી નવરાત્રિ મહોત્સવને ધ્યાને રાખીને તા. ૦૯ થી ૧૫ સપ્ટેમ્બર દરમિયાન શહેરના ૪ ગરબા ક્લાસીસના ૪૦૨ સ્ટાફ-સભ્યોને અગ્નિશમન સાધનોનો સાચો ઉપયોગ કરવા અને આગથી બચાવ અંગે તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત:
બિલ્ડીંગોના ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલેશનનું નિરીક્ષણ કરાયું.નિયમોનું પાલન ન કરતી ઇમારતોને તાત્કાલિક નોટિસ પાઠવી જરૂરી ગાઇડલાઇન્સ અપાઈ.
૦૭ ફાયર સેફ્ટી પ્લાન એપ્રુવલ (FSPA) અને ૦૧ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ (FSCA) ની અરજીઓ આગળની મંજૂરી અર્થે RFO કચેરીમાં મોકલાવાઈ.ઓમ શાંતિ સ્કૂલમાં મોકડ્રીલ: ૪ બાળકોનું સલામત રેસ્ક્યુ

તા. ૧૨ સપ્ટેમ્બરના રોજ રાજકોટ-મોરબી હાઈવે પર મેડિકલ કોલેજ નજીક આવેલી ‘ઓમ શાંતિ CBSE અને ગુજરાતી મીડિયમ સ્કૂલ’ ખાતે ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલ યોજાઈ હતી:
સવારે ૦૮:૧૫ વાગ્યે શાળામાં આગ અને ૪ બાળકો ફસાયા હોવાનો ઇમર્જન્સી કોલ કંટ્રોલ રૂમને મળ્યો ફાયર બ્રિગેડની ટીમ સવારે ૦૮:૪૦ વાગ્યે ઘટનાસ્થળે પહોંચી.સવારે ૦૮:૪૪ વાગ્યે ટીમ દ્વારા ફસાયેલા તમામ ૪ બાળકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા.સવારે ૦૮:૪૫ વાગ્યે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવાયો અને ૦૮:૪૬ વાગ્યે ‘ઓલ ક્લિયર’ જાહેર કરાયું.આ સપ્તાહ દરમિયાન શહેરમાં આવેલા ૧ ફાયર કોલ અને ૧ રેસ્ક્યુ કોલ પર પણ ફાયરના જવાનોએ ત્વરિત કામગીરી કરી હતી.

કટોકટી અથવા આગની દુર્ઘટના સમયે નાગરિકો મોરબી મહાનગરપાલિકા અગ્નિશમન શાખાના કંટ્રોલ રૂમ નંબર (૦૨૮૨૨) ૨૩૦૦૫૦ તેમજ ઇમર્જન્સી નંબર ૧૦૧ અથવા ૧૧૨ પર તાત્કાલિક સંપર્ક કરી શકે છે.










