
ઈડરના મણિયોરમાં કૌટુંબિક વિવાદમાં બાળકનું અપહરણ કરી ખંડણીની માંગણી, ઈડર પોલીસની સૂઝબૂઝથી વડોદરા નજીકથી બાળકનો સુરક્ષિત છુટકારો
સાબરકાંઠા | ઈડર: સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના મણિયાર ગામે કૌટુંબિક વિવાદમાં એક બાળકનું અપહરણ કરી તેની માતા પાસે પૈસાની માંગણી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. અપહરણકર્તાએ બાળકની માતાને ફોન કરીને, ‘પુત્ર જીવતો જોઈતો હોય તો પૈસા આપીને લઈ જાઓ’ તેવી ધમકી આપી હતી. આ બનાવની જાણ થતાં ઈડર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સૂઝબૂઝથી તપાસ હાથ ધરી વડોદરા નજીકથી બાળકને સુરક્ષિત મુક્ત કરાવી અપહરણના આરોપીને ઝડપી પાડ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, બાળકને રિક્ષામાં બેસાડી ઈડરના બજારમાં ફરવા લઈ જવાના બહાને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અપહરણકર્તાએ બાળકની માતાને ફોન કરીને પૈસાની માંગણી કરી ધમકી આપી હતી. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને ઈડર પોલીસે તપાસ શરૂ કરી હતી.
ફોનના લોકેશનથી પોલીસને મળી મહત્વની કડી
તપાસ દરમિયાન અપહરણમાં કોઈ ખાનગી વાહનનો ઉપયોગ થયો ન હોવાનું જણાતાં પોલીસે અલગ રણનીતિ અપનાવી હતી. ધમકીભર્યા ફોન કોલનું લોકેશન ટ્રેક કરતાં આરોપી વડોદરા નજીક મુસાફરી કરી રહ્યો હોવાની માહિતી મળી હતી. આથી પોલીસે ઈડરથી વડોદરા તરફ જતી એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટરના લોકેશનની તપાસ કરી હતી.
ફોન કોલના લોકેશન અને એસટી બસના ડ્રાઈવર-કંડક્ટરના લોકેશન વચ્ચે મેળ જણાતાં પોલીસની શંકા વધુ મજબૂત બની હતી. ત્યારબાદ ઈડર પોલીસે સંબંધિત બસના ડ્રાઈવર અને કંડક્ટરનો સંપર્ક કરી તેમને વિશ્વાસમાં લીધા હતા. બંનેના સંકલનથી અપહરણકર્તાને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.
ભયભીત બાળકને વિશ્વાસમાં લઈ પરિવારને સોંપ્યો
પોલીસે વડોદરા નજીકથી બાળકને સુરક્ષિત મુક્ત કરાવ્યું હતું. અપહરણની ઘટનાથી ભયભીત થયેલા બાળકને પોલીસે કાફેમાં લઈ જઈ તેની સાથે વાતચીત કરીને વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ બાળકને તેના માતા-પિતા સાથે મિલન કરાવવામાં આવ્યું હતું. લાંબા સમયની ચિંતા બાદ બાળકને સુરક્ષિત પરત મળતાં પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.
ભરૂચના દહેજના વિશાલ માછીની અટકાયત
આ બનાવમાં ઈડર પોલીસે અપહરણના આરોપસર ભરૂચ જિલ્લાના દહેજના વિશાલ માછીની અટકાયત કરી છે. સમગ્ર ઘટનામાં ઈડર પોલીસની ટેકનિકલ તપાસ, સમયસૂચક નિર્ણય અને એસટી બસના ડ્રાઈવર તથા કંડક્ટરના સંકલનથી બાળકને સુરક્ષિત મુક્ત કરાવવામાં સફળતા મળી હતી.
JAYANTI Parmar









