બ્રિજેશ પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ
નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર આવેલા થવા-બેડાકંપની ગામે પતિ ખેતરે પાણી વાળવા ગયા અને પત્ની ગરબા રમવા ગઈ હોવાની તકનો લાભ લઈ તસ્કરોએ ઘરમાં હાથફેરો કરી રૂ. ૧.૩૭ લાખના સોનાના દાગીના અને મોબાઈલ ઉઠાવી જતા પંથકમાં ચકચાર મચી ગઈ છે.
નેત્રંગ તાલુકાના થવા-બેડાકંપની ગામના સ્ટેશન ફળિયામાં રહેતા મહેન્દ્રભાઈ મણીલાલ વસાવા સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન ચલાવે છે, સાથે ખેતી પણ કરે છે. તા. ૧૭ના રોજ મહેન્દ્રભાઈ કાકડકુઈ ગામની સીમમાં આવેલા પોતાના શેરડીના ખેતરે રાત્રિનો વીજ પુરવઠો હોવાથી પાણી વાળવા ગયા હતા. તેમની પત્ની કવિતાબેન ગામમાં ચાલતા નવરાત્રિ મહોત્સવમાં ગરબા રમવા ગયા હતા. તેઓ ઘરના આગળ-પાછળના દરવાજે તાળું મારી ચાવી ઘર આગળ સંતાડીને ગયા હતા.
રાત્રે લગભગ ૧૧.૩૦ કલાકે કવિતાબેન ગરબા રમી ઘરે પરત આવતા ઘરના દરવાજાના તાળા ખુલ્લા જોતા ચોંકી ગયા હતા. અંદર જઈ જોતા પાછળના દરવાજાનું તાળું પણ તૂટેલું હતું અને રસોડામાં રહેલું પ્લાયવુડનું કબાટ ખુલ્લું હતું.
કબાટના ચોરખાના લોકરમાં મુકેલ સોનાની ચેઈન નંગ-૧, સોનાના લોકેટ નંગ-૨, સોનાની રીંગ નંગ-૧ અને મોબાઈલ નંગ-૧ મળી કુલ રૂ. ૧,૩૭,૬૭૪ નો મુદ્દામાલ તેમજ આધારકાર્ડ, બેંકની પાસબુક, ચૂંટણી કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ ચોરી થયા હોવાનું જણાયું હતું.
આ બનાવ અંગે કવિતાબેન મહેન્દ્રભાઈ વસાવાએ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પી.આઈ. વી.એસ. વણઝારા ચલાવી રહ્યા છે.









