ઓછા પાણીએ વધુ ઉત્પાદન મેળવવા ખેડૂતોને ભલામણ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : વર્તમાન આબોહવાકીય પરિવર્તન અને અલ-નીનોની વૈશ્વિક અસરોને પગલે તાપમાનમાં વધારો, જમીનમાં ભેજની અછત તેમજ જળસંસાધનોની મર્યાદા જેવા પડકારો સામે આવી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના અર્ધશુષ્ક વિસ્તારમાં મર્યાદિત સિંચાઈ સુવિધા વચ્ચે રવિ ઋતુમાં ઉત્પાદકતા જાળવી રાખવા માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતોને પાણીના વૈજ્ઞાનિક અને કાર્યક્ષમ ઉપયોગ માટે મહત્વપૂર્ણ ભલામણો કરવામાં આવી છે.
પાણીની અછતથી પાકની વૃદ્ધિ અને દાણાની ગુણવત્તા પર વિપરીત અસર ન પડે તે માટે ખેડૂતોએ સ્થાનિક આબોહવા, જમીનની સ્થિતિ અને પાણીના જથ્થાને અનુરૂપ પાક તેમજ બિયારણની જાત પસંદ કરવી જરૂરી છે. યુનિવર્સિટી દ્વારા સમયસર વાવણી કરવા તેમજ ટપક સિંચાઈ, ફુવારા અને રેઇન પાઇપ જેવી સૂક્ષ્મ પિયત પદ્ધતિઓ અપનાવવા જણાવાયું છે. પાકની વૃદ્ધિ દરમિયાન તેની અતિ સંવેદનશીલ (કટોકટીની) અવસ્થાએ જ પિયત આપી પાણીનો મહત્તમ કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય છે. જમીનમાં લાંબો સમય ભેજ ટકાવી રાખવા માટે મલ્ચિંગ, પાકના અવશેષોનો ઉપયોગ અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિઓ અપનાવવી હિતાવહ છે.
આ ઉપરાંત અલ-નીનોના કારણે સર્જાતા ગરમ અને શુષ્ક વાતાવરણમાં શિયાળુ પાકોમાં રોગ-જીવાતનો ઉપદ્રવ વધવાની શક્યતા રહે છે. તેથી ખેડૂતોએ પાકનું નિયમિત નિરીક્ષણ કરી કોઈપણ લક્ષણ જણાયે કૃષિ નિષ્ણાતોની સલાહ મુજબ યોગ્ય નિયંત્રણ પગલાં ભરવા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.











