કૃષિ વિજ્ઞાનીઓ અને વિભાગીય અધિકારીઓ ગ્રામીણ સ્તરે રૂબરૂ માર્ગદર્શન પૂરું પાડશે
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જમીનનું સ્વાસ્થ્ય જાળવવા અને પ્રાકૃતિક ખેતીને વેગ આપવાના ઉદ્દેશ સાથે ભારત સરકાર દ્વારા ૨૨ ઓક્ટોબરથી ૩૦ નવેમ્બર દરમિયાન દેશવ્યાપી ‘ખેત બચાઓ અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અન્વયે જૂનાગઢ જિલ્લામાં જમીન પરીક્ષણ આધારિત સંતુલિત ખાતરનો ઉપયોગ, જળસંરક્ષણ તેમજ ટકાઉ કૃષિ પદ્ધતિઓ અંગે ખેડૂતોમાં વ્યાપક જાગૃતિ લાવવા માટે વહીવટી તંત્ર દ્વારા આયોજન હાથ ધરાયું છે.
આ ઝુંબેશ અંતર્ગત જૂનાગઢ જિલ્લાના દરેક તાલુકામાં ઓછામાં ઓછા ૩૦ કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં ખેતીવાડી શાખા, આત્મા પ્રોજેક્ટ, બાગાયત વિભાગ અને કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકો તેમજ નિષ્ણાતો દ્વારા ગ્રામ્ય સ્તરે ખેડૂતોને પ્રત્યક્ષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
આ કાર્યક્રમો દરમિયાન ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડનો યોગ્ય ઉપયોગ, આબોહવા અનુકૂળ ખેતી પદ્ધતિઓ, સંકલિત પોષક તત્ત્વ વ્યવસ્થાપન (INM) અને સંકલિત જીવાત વ્યવસ્થાપન (IPM) અંગે તાલીમ અપાશે. આ ઉપરાંત ખેતરમાં પાકના અવશેષો ન બાળવા, ‘પર ડ્રોપ મોર ક્રોપ’ના સૂત્ર સાથે સૂક્ષ્મ પિયત પદ્ધતિ અને જળસંગ્રહ અપનાવવા તેમજ કઠોળ, તેલીબિયાં અને બાગાયતી પાકો થકી પાક વૈવિધ્યીકરણ અપનાવવા અંગે વિસ્તૃત સમજ આપવામાં આવશે.
જિલ્લા ખેતીવાડી ખાતા દ્વારા તમામ ખેડૂતોને આ કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ વિગતો માટે ખેડૂતોએ પોતાના વિસ્તારના ગ્રામસેવક, ખેતી/બાગાયત અધિકારી અથવા નાયબ ખેતી નિયામકની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.










