MORBI:મોરબી મહાનગરપાલિકા એક્શન મોડમાં: મચ્છરજન્ય રોગો અટકાવવા વ્યાપક સઘન કામગીરી, નવરાત્રિને ધ્યાને રાખી ફોગિંગ કરાયું

મોરબી:શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકરે નહીં તે હેતુથી મોરબી મહાનગરપાલિકાની મેલેરિયા શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં સઘન અટકાયતી અને નિયંત્રણ કામગીરી હાથ ધરવામાં આવી છે. ટીમ દ્વારા રહેણાંક વિસ્તારો, જળાશયો તેમજ ખુલ્લા વોકળાઓમાં દવા છંટકાવ સહિત ફોગિંગની ઝુંબેશ તેજ કરવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર, મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા રોહીદાસપરા, રણછોડનગર, અમૃતપાર્ક, વજેપર અને મતવાવાસ સહિતના વિસ્તારોમાં ઘરે-ઘરે જઈને પાણીના પાત્રોની ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન પાણી ભરેલા પાત્રોમાં મચ્છરોના પોરા પેદા ન થાય તે માટે ‘એબેટ’ કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત રવાપર તળાવ અને મચ્છુ નદી કાંઠાના વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા દવા છંટકાવ કરવામાં આવ્યો હતો.
તેમજ સમયગેટ પાસે, રબારીવાસ, એવન્યુ પાર્ક અને પંચાસર રોડ નજીક આવેલા ખુલ્લા વોકળાઓમાં પણ મચ્છરનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. હાલ નવરાત્રિ પર્વ ચાલી રહ્યો હોવાથી નાગરિકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને સાંજના સમયે ખાસ ફોગિંગ કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.
તંત્ર દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા અપીલ: મચ્છરજન્ય રોગોથી બચવા માટે મનપા તંત્ર દ્વારા શહેરીજનોને નીચે મુજબની સાવચેતી રાખવા અનુરોધ કરાયો છે: પીવાના તેમજ ઘરવપરાશના પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકીને રાખવા. પક્ષીકુંજ, ફૂલદાની અને કુલર જેવા સાધનો અઠવાડિયે એક વાર ઘસીને સાફ કરી સૂકવવા. મકાનની છત કે આસપાસ પડેલા જૂના ટાયર, પ્લાસ્ટિકના ડબ્બા કે ભંગાર જેવી ચીજોનો તાત્કાલિક નિકાલ કરવો જેથી તેમાં વરસાદી પાણી ભરાઈ ન રહે. સાંજના સમયે ઘરના બારી-બારણાં બંધ રાખવા, આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા અને સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો. ઘરની આસપાસ ભરાયેલું ગંદુ કે બંધિયાર પાણી વહાવી દેવું.કોઈને પણ તાવ, ઠંડી કે શરીરના દુખાવા જેવા લક્ષણો જણાય તો ઘરગથ્થુ ઉપચાર કરવાને બદલે તાત્કાલિક નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.















