રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૯.૧૦.૨૦૨૬
પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બીરાજતા જગતજનની માં કાલિકાના દર્શન કરવા આજે સોમવારે એક લાખ જેટલા માઇ ભક્તો ઉમટી પડી માતાજીના ચરણ માં શીશ નમાવી ધન્યતા અનુભવાતી હતી. માતાજીના ભક્તો એ આજે માતાજીના દર્શન ની સાથે આઠમ ના હવન ના દર્શન નો લાભ લીધો હતો. જોકે નવરાત્રીના સાતમ, આઠમ નું મહત્વ અનેરું હોય છે. છતાં પ્રતિ વર્ષની સરખામણી માં આજે ભક્તોની હાજરી પાંખી જોવા મળી હતી.૫૧, શક્તિપીઠ પૈકી ની એક શક્તિપીઠ પંચમલાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બિરાજમાન જગતજનની શ્રી મહાકાળી માતાજી છે. આ યાત્રાધામ ખાતે માતાજીના ભક્તો ગુજરાત સહીત પાડોશી રાજ્યો મહારાષ્ટ્રા,મધ્ય પ્રદેશ સહીત ના રાજ્યોમાંથી વર્ષ દરમ્યાન લાખ્ખો ની સંખ્યામાં આવતા હોય છે.અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે.તેમાં પણ ખાસ કરીને ચૈત્રી નવરાત્રી, આસો નવરાત્રી,તેમજ આઠમ, પૂનમ નું અનેરું મહત્વ હોય છે. તે ઉપરાંત તેમજ શનિવાર રવિવાર અને જાહેર રજાના દિવસોમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. જેમા આજે આસો નવરાત્રિના આઠમા નોરતા એ માતાજીના દર્શનાર્થે રવિવાર ની મધ્યરાત્રી થી માઇ ભક્તો માટી સંખ્યામાં પાવાગઢને જોડતા તમામ માર્ગો પર ભક્તોનો સૈલાબ જોવા મળતો હતો. ચારે કોર પગપાળા યાત્રાળુઓ ના કારણે જય માતાજી ના ભારે જયઘોષ સંભળાતા હતા. મધ્યરાત્રીથી મંદિર પરિષદ તેમજ મંદિરના પગથિયા પર ભક્તોની ભારે ભીડ નિજ મંદિરના દ્વાર ખુલે તેની પ્રતીક્ષામાં કલાકો સુધી પ્રતીક્ષા કરતા ભક્તો જોવા મળ્યા હતા. જ્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા નિજ મંદિર ના દ્વાર વહેલી સવારે ચાર કલાકે માતાજી ના દર્શનાર્થે ખુલ્લા મૂકતા ભક્તો દ્વારા જય માતાજી ના ભારે જયઘોષ થતા મંદિર પરિષદ ગુંજી ઉઠ્યું હતું. જયારે ભાવિક ભક્તો ની સુરક્ષા અને સલામતિ ને લઇ પોલીસ દ્વારા તળેટીથી ડુંગર ઉપર નિજ મંદિર સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. યાત્રધામ તેમજ શક્તિ પીઠ પાવાગઢ મંદિર ખાતે વર્ષોની પરંપરાગત મુજબ આજે આસો નવરાત્રી ના આઠમ નો હવન મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિવત વૈદિક મંત્રોચાર સાથે સવારે આરંભ કરવામાં આવ્યો હતો. જે સાંજે પાંચ કલાકે હવન કુંડમાં વૈદિક મંત્રોચાર સાથે શ્રીફળ હોમી સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંદિર ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ તેમજ પંચમહાલ જિલ્લા ના અધિકારીઓ સહીત માતાજીના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.










