
જાદર પંથકમાં દેશી દારૂના વેચાણનો વીડિયો વાયરલ

સરપંચના ઘર નજીક અને ભરવાડ વાસ પાસે દારૂ વેચાતો હોવાનો આક્ષેપ; વારંવાર રજૂઆત છતાં કાર્યવાહી ન થતી હોવાનો સ્થાનિક નાગરિકનો દાવો
ઈડર તાલુકાના જાદર પંથકમાં કથિત દેશી દારૂના વેચાણને લઈને એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સ્થાનિક સ્તરે ચર્ચા શરૂ થઈ છે. સ્થાનિક જાગૃત નાગરિક રતિલાલ સોલંકીએ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
રતિલાલ સોલંકીના આક્ષેપ મુજબ, જાદર પંથકમાં સરપંચના ઘર નજીક તેમજ ભરવાડ વાસ પાસે ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. આ મામલે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી થતી ન હોવાનો પણ તેમણે દાવો કર્યો છે.
આ ઘટનાને પગલે જાદર પોલીસની કામગીરી અંગે સવાલો ઊભા થયા છે. જોકે, વાયરલ વીડિયોમાં દર્શાવાયેલા સ્થળે ખરેખર દારૂનું વેચાણ થઈ રહ્યું છે કે કેમ અને આ મામલે અગાઉ કોઈ સત્તાવાર ફરિયાદ કરવામાં આવી હતી કે નહીં, તેની સ્વતંત્ર પુષ્ટિ થવી જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં ચિત્રોડા ગામમાં દારૂના અડ્ડા પર મારામારીની ઘટના સામે આવી હતી. ત્યારબાદ હવે જાદર પંથકમાં કથિત દારૂના વેચાણનો વીડિયો વાયરલ થતાં ફરી એકવાર દારૂના ગેરકાયદેસર વેચાણનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.
હવે આ વાયરલ વીડિયો અંગે પોલીસ તંત્ર તપાસ હાથ ધરે છે કે કેમ અને ગેરકાયદેસર દારૂના વેચાણ સામે કેવાં પગલાં લેવામાં આવે છે, તે જોવું રહ્યું. સ્થાનિકોમાં પણ આ મામલે યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઊઠી રહી છે.
જયંતિ પરમાર સાબરકાંઠા









