
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચલામલી નજીક આવેલા નાની વાંટ ગામે ગત રાત્રે આશરે બે વાગ્યાના અરસામાં મેહુલભાઈ લક્ષ્મણભાઈના મકાનમાં અચાનક રહસ્યમય સંજોગોમાં ભીષણ આગ ભભૂકી ઉઠતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. મધરાતે ગાઢ અંધકાર વચ્ચે લાગેલી આ આગના સમયે ઘરમાં મેહુલભાઈ, તેમની પત્ની, તેમના 2 દીકરા, તેમના દીકરાની પત્ની અને તેમના ભાઈનો દીકરો એમ કુલ 6 સભ્યો હાજર હતા, જેઓ સમયસર સજાગ થઈને જીવ બચાવીને ઘરની બહાર દોડી આવ્યા હતા. આ વિકરાળ આગની લપેટમાં ઘરમાં રહેલું લાકડાનું કબાટ, બે સાયકલ, પલંગ, અનાજ-કરિયાણું, રાંધવાના વાસણો તથા રોજિંદા વપરાશની જરૂરી ઘરવખરી સહિતનો મોટો સામાન બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયો છે. આ દુર્ઘટનામાં ઘરમાં રહેલા કુલ ત્રણ પશુઓમાંથી એક ભેંસ આગની ઝપેટમાં આવી જવાથી ગંભીર રીતે દાઝી ગઈ છે. આ કરુણ બનાવમાં પરિવારને અંદાજે ૩ થી 4 લાખ રૂપિયાનું માતબર આર્થિક નુકસાન થયું છે, જેને કારણે ગરીબ પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે અને સરકાર દ્વારા આ પીડિત પરિવારને વહેલી તકે યોગ્ય આર્થિક સહાય પૂરી પાડવામાં આવે તેવી પ્રબળ લોકમાગ ઉઠી છે.

રિપોર્ટર તોસીફ ખત્રી










