
સમીર પટેલ, ભરૂચ

મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ, ભરૂચ સંચાલિત હાજી અહેમદ મુન્શી આઈ.ટી.આઈ., ભરૂચ ખાતે તાલીમાર્થીઓની મહેનત, સમર્પણ અને શૈક્ષણિક સિદ્ધિઓની ઉજવણી કરતો એક યાદગાર પદવીદાન સમારોહ (Convocation Ceremony) યોજાયો હતો.
આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સંસ્થાના ટ્રસ્ટી શ્રી યુનુસ પટેલ સાહેબ તથા આઈ.ટી.આઈ. હેડ અને કેમ્પસ એડમિન શ્રી આરીફ પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત, હાજી અહેમદ મુન્શી આઈ.ટી.આઈ. (ગર્લ્સ સેક્શન)ના પ્રિન્સિપાલ શ્રી લુકમાન સાહેબ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહ દરમિયાન તાલીમાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી. દરેક ટ્રેડમાં પ્રથમ અને દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર તાલીમાર્થીઓને તેમની મહેનત, પ્રતિબદ્ધતા અને ઉત્કૃષ્ટ દેખાવ બદલ મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ચાલુ વર્ષે આઈ.ટી.આઈ.માંથી સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનાર કુલ ૧૭૧ તાલીમાર્થીઓને સ્ટાફમિત્રો દ્વારા સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ મુખ્ય અતિથિ શ્રી યુનુસભાઈ પટેલ સાહેબે તથા શ્રી આરીફ પટેલ સાહેબ પ્રસંગે પ્રેણાદાયક ઉદ્દબોધન આપ્યું હતું. પોતાના વક્તવ્યમાં તેમણે તાલીમાર્થીઓને પોતાના ક્ષેત્રમાં પ્રામાણિકતા, શિસ્ત અને મહેનત સાથે આગળ વધવા, સતત નવી બાબતો શીખતા રહેવા તથા આત્મવિશ્વાસ સાથે ભવિષ્યના પડકારોનો સામનો કરવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે તાલીમાર્થીઓને પ્રાપ્ત થયેલી કુશળતાનો સકારાત્મક ઉપયોગ કરી સમાજ અને દેશના વિકાસમાં યોગદાન આપવા માટે પણ પ્રેરણા આપી હતી.
સમારોહ દરમિયાન તાલીમાર્થીઓના ચહેરા પર સિદ્ધિનો આનંદ અને ગૌરવ સ્પષ્ટ જોવા મળ્યો હતો. પદવીદાન સમારોહ તેમના શૈક્ષણિક જીવનના એક મહત્વપૂર્ણ તબક્કાની પૂર્ણતા તથા વ્યાવસાયિક જીવનની નવી શરૂઆતનું પ્રતીક બન્યો હતો.
કાર્યક્રમના અંતે શ્રી યુસુફ મતાદાર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. તેમણે મુખ્ય અતિથિ, મહાનુભાવો, આઈ.ટી.આઈ.ના સ્ટાફમિત્રો તથા તમામ તાલીમાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમનું આયોજન આઈ.ટી.આઈ.ના સમગ્ર સ્ટાફના સહયોગથી સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ સ્ટાફમિત્રોનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
હાજી અહેમદ મુન્શી આઈ.ટી.આઈ. તથા મુન્શી પરિવાર તરફથી પદવી પ્રાપ્ત કરનાર તમામ ૧૭૧ તાલીમાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય, સફળ કારકિર્દી અને પ્રગતિ માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.








