અગાઉ યોજાયેલા લોકદરબારોની વિગતો જાહેર કરવાની માંગને પગલે કાર્યવાહી


વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી
ખેરગામ પોલીસ સ્ટેશન ખાતે લાંબા સમયથી પોલીસ લોકદરબાર યોજવામાં આવતા ન હોવાની રજૂઆતને જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા ગંભીરતાથી લેવામાં આવી છે. આ મામલે નવસારી જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક (SP) ને લેખિત પત્ર પાઠવી નિયમોનુસાર તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
ખેરગામ-બહેજ રોડ સ્થિત ચિતુબાનો છાંયડો મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના ડો. નિરવભાઈ પટેલ દ્વારા ગત તા. 17 સપ્ટેમ્બર, 2026ના રોજ નવસારી જિલ્લા કલેક્ટર કચેરીમાં આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં જણાવાયું હતું કે ખેરગામ પોલીસ સ્ટેશન ખાતે લાંબા સમયથી પોલીસ લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું નથી, જેના કારણે નાગરિકોને પોતાના પ્રશ્નો પોલીસ તંત્ર સમક્ષ સીધા રજૂ કરવાની તક મળતી નથી.
આ રજૂઆતમાં ખેરગામ પોલીસ સ્ટેશન ખાતે નિયમિત અંતરે પોલીસ લોકદરબાર યોજવામાં આવે, અત્યાર સુધીમાં યોજાયેલા અગાઉના તમામ લોકદરબારોની વિગતોની તપાસ કરવામાં આવે તેમજ તેની સંપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
આ અરજીના અનુસંધાને નવસારીના નાયબ કલેક્ટર દ્વારા તા. 06 નવેમ્બર, 2026ના રોજ જિલ્લા પોલીસ અધિક્ષકને સત્તાવાર પત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં રજૂઆતની તમામ વિગતો ધ્યાને લઈ નિયમોનુસાર તાત્કાલિક ઘટતી કાર્યવાહી કરવા જણાવાયું છે.
કલેક્ટર કચેરીની આ સૂચનાને પગલે હવે ખેરગામ પોલીસ સ્ટેશન ખાતે નિયમિત લોકદરબાર યોજવા અંગે પોલીસ તંત્ર દ્વારા કેવા પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે. સાથે જ અગાઉ યોજાયેલા લોકદરબારોની વિગતો જાહેર થાય છે કે કેમ તે પણ જોવાનું રહેશે.
આ કાર્યવાહીથી ખેરગામ તાલુકાના નાગરિકોમાં પોતાના પ્રશ્નો અને રજૂઆતો પોલીસ તંત્ર સમક્ષ સીધા પહોંચાડવા માટે નિયમિત લોકદરબાર યોજાશે તેવી આશા જાગી છે.







