વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૦૭ નવેમ્બર : ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબીના દર્દીઓને પોષણક્ષમ આહાર મળી રહે અને તેમની સારવાર દરમિયાન પોષણની જરૂરિયાત પૂર્ણ થાય તેવા ઉમદા હેતુથી દિવાળીના પર્વ નિમિત્તે આજે શિણાય વિસ્તાર, અંતરજાળ વિસ્તાર અને ખારીરોહર ગામના કુલ 30 ટીબી દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ સેવાકીય કામગીરી માનનીય જિલ્લા વિકાસ અધિકારી (DDO), માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO), જિલ્લા ક્ષય અધિકારી (DTO) તેમજ MOH ડૉ. સુતરિયાના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી.આ પ્રસંગે શિણાય વિસ્તારના કોર્પોરેટર દીપકભાઈ વાઘમશી, અંતરજાળ વિસ્તારનાં કોર્પોરેટર શ્રીમતી શાંતિબેન બધાભાઈ મયાત્રા તથા ખારીરોહર ગામના આગેવાનો દ્વારા સહયોગ આપી કુલ 30 ટીબી દર્દીઓને પોષણ કીટ અર્પણ કરવામાં આવી હતી.ટીબીની સારવારમાં નિયમિત દવાઓની સાથે પૌષ્ટિક આહારનું પણ વિશેષ મહત્વ રહેલું છે. યોગ્ય પોષણ દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને સારવાર દરમિયાન સ્વાસ્થ્ય સુધારવામાં મદદરૂપ બને છે. આ અભિયાન અંતર્ગત દાતાઓ,જનપ્રતિનિધિઓ અને સમાજના આગેવાનોને જોડીને ટીબીના દર્દીઓને પોષણ સહાય પૂરી પાડવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.દિવાળીના પાવન પર્વ નિમિત્તે જરૂરિયાતમંદ ટીબી દર્દીઓના સ્વાસ્થ્યની ચિંતા સાથે કરવામાં આવેલી આ સેવાકીય પ્રવૃત્તિ માનવતા, સામાજિક જવાબદારી અને જનસહયોગનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે.ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સરકારી તંત્ર સાથે જનપ્રતિનિધિઓ, દાતાઓ અને સમાજના આગેવાનોનો સહયોગ અત્યંત મહત્વપૂર્ણ છે.








