વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી સરકારી હોસ્પિટલમાં આધુનિક સર્જિકલ સેવાઓ: જાન્યુઆરી 2026થી અત્યાર સુધીમાં 150 જેટલી સફળ શસ્ત્રક્રિયાઓ સંપન્ન.
ડૉ. ગૌરવ મિશ્રા અને ડૉ. પ્રેમ ગાંધીની ટીમ દ્વારા જટિલ સર્જરી; પ્લાસ્ટિક સર્જરી, સ્કિન ગ્રાફ્ટિંગ અને MIPH જેવી સુવિધાઓ ઉપલબ્ધ
માંડવી,તા-૦૬ સપ્ટેમ્બર : માંડવી સરકારી હોસ્પિટલ ખાતે કન્સલ્ટન્ટ જનરલ સર્જન ડૉ. ગૌરવ મિશ્રા દ્વારા ગંભીર મેદસ્વિતાથી પીડાતા દર્દીની અવરોધિત નાભિ હર્નિયાની જટિલ અને જોખમી શસ્ત્રક્રિયા સફળતાપૂર્વક કરવામાં આવી છે. આ પ્રકારના કેસમાં હર્નિયામાં ફસાયેલું આંતરડું તેમજ ઓમેન્ટમ દબાણ હેઠળ રહેવાથી રક્ત પુરવઠો ખોરવાઈ જતાં ઈસ્કેમિયા, ટિશ્યુ ડેમેજ અને નેક્રોસિસ જેવી ગંભીર સ્થિતિ સર્જાવાનું જોખમ રહે છે. દર્દીની ગંભીર મેદસ્વિતાને ધ્યાને રાખી કન્સલ્ટન્ટ એનેસ્થેટિસ્ટ ડૉ. પ્રેમ ગાંધીના સહયોગથી સંયુક્ત સ્પાઇનલ અને એપિડ્યુરલ એનેસ્થેશિયા આપવામાં આવ્યું હતું, જેનાથી સર્જરી દરમિયાન તેમજ સર્જરી બાદ પણ દર્દીને પેઇન કંટ્રોલ જાળવી શકાયું હતું. પોસ્ટ-ઓપરેટિવ દેખરેખ બાદ દર્દી સંપૂર્ણ સ્વસ્થ થતાં તેમને રજા આપવામાં આવી છે.માંડવી સરકારી હોસ્પિટલમાં જાન્યુઆરી 2026થી શરૂ થયેલા સર્જરી વિભાગ હેઠળ અત્યાર સુધીમાં ઈમરજન્સી સહિત આશરે 150 જેટલી વિવિધ સર્જરીઓ સફળતાપૂર્વક કરવામાં આવી છે. જનરલ સર્જરીની સાથે હોસ્પિટલમાં સર્જિકલ સેવાઓનો વ્યાપ વધારી ગાયનેકોમાસ્ટિયા માટેની પ્લાસ્ટિક સર્જરી તેમજ અકસ્માત (ટ્રોમા) અને દાઝી ગયેલા (બર્ન) દર્દીઓ માટે સ્કિન ગ્રાફ્ટિંગ અને ઘા સંભાળની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત, હરસના દર્દીઓ માટે ટાંકા વિનાની સ્ટેપલર આધારિત આધુનિક MIPH (Minimally Invasive Procedure for Haemorrhoids) પદ્ધતિથી શસ્ત્રક્રિયા કરવામાં આવે છે, જેનાથી ઓપરેશન બાદ દર્દીને દુખાવો ઓછો રહે છે અને રિકવરી ઝડપી બને છે.સરકારી યોજનાઓ અને નિયમો હેઠળ પાત્ર દર્દીઓને આ તમામ જટિલ સારવાર વિનામૂલ્યે મળતી હોવાથી સામાન્ય તેમજ આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોને ખાનગી હોસ્પિટલોના મોટા ખર્ચમાંથી રાહત મળે છે. ડૉ. ગૌરવ મિશ્રાએ લોકો દ્વારા મુકાયેલા વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, માંડવી સરકારી હોસ્પિટલ સર્જિકલ ટીમ સ્થાનિક સ્તરે જ ઈમરજન્સી અને આધુનિક સર્જિકલ સેવાઓ ઉપલબ્ધ કરાવી કચ્છના લોકોને ગુણવત્તાસભર સારવાર પૂરી પાડવા સતત કાર્યરત છે.






