આઈ.સી.ડી.એસ. કચેરી, ભેસાણ દ્વારા ઘટક કક્ષાના ‘પોષણ ઉત્સવ-૨૦૨૬’ અંતર્ગત તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર, ભેસાણ ખાતે વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં આંગણવાડી કાર્યકર બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ મિલેટ્સ તથા ટેક હોમ રાશનમાંથી વિવિધ પૌષ્ટિક વાનગીઓ તૈયાર કરી હતી. સ્પર્ધામાં બાજરી, જુવાર અને રાગી જેવા મિલેટ્સ એટલે કે ‘શ્રી અન્ન’ તેમજ ટેક હોમ રાશન હેઠળ મળતા માતૃ શક્તિ, પૂર્ણા શક્તિ અને બાલ શક્તિના પેકેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓને જરૂરી પ્રોટીન તથા પોષકતત્વો મળી રહે તેવા પૌષ્ટિક આહારને પ્રોત્સાહન આપવાના હેતુથી વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા લાભાર્થીઓ તથા વાલીઓને મિલેટ્સ અને ટેક હોમ રાશનના પોષણમૂલ્ય તથા તેના યોગ્ય ઉપયોગ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. દૈનિક આહારમાં બાજરી, જુવાર અને રાગી જેવા સ્થાનિક ધાન્યનો સમાવેશ કરી પૌષ્ટિક અને સંતુલિત આહાર મેળવવા અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. વાનગી સ્પર્ધામાં શ્રેષ્ઠ વાનગી તૈયાર કરનાર આંગણવાડી કાર્યકર બહેનોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ આપવામાં આવ્યો હતો તેમજ પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રીના પ્રતિનિધિ, તાલુકા આરોગ્ય કચેરીનો સ્ટાફ, આઈ.સી.ડી.એસ. કચેરીનો સ્ટાફ, આંગણવાડી કાર્યકર બહેનો તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતે ઈ.ચા. સી.ડી.પી.ઓ., ભેસાણ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ










