MORBI:મોરબી સોલાર સિસ્ટમમાં ખામી મુદ્દે ગ્રાહક અદાલતનો મોટો ચુકાદો; ખામી દૂર કરવા અને રૂ. ૫,૦૦૦ ખર્ચ ચૂકવવા એજન્સીને આદેશ

મોરબી તાલુકાના કેરાળી ગામના રહીશ લાખાભાઈ આલાભાઈ ચાવડાએ પોતાના ઘરે ચાંચાવદરડા સ્થિત ‘ન્યાલકરણ એનર્જી એલ.એલ.પી.’ પાસેથી સોલાર રૂફટોપ સિસ્ટમ ફિટ કરાવી હતી. જોકે, સોલાર લગાવ્યા બાદ ઘરમાં વીજળી સંબંધિત ગંભીર પ્રશ્નો શરૂ થયા હતા. તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે આ ખામી ઇન્વર્ટરને કારણે સર્જાઈ રહી છે.
આ સમસ્યા અંગે લાખાભાઈએ સંબંધિત કંપનીને અવારનવાર રજૂઆત કરી હતી, પરંતુ કંપની દ્વારા ગ્રાહકની ફરિયાદ પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું અને યોગ્ય સર્વિસ પૂરી પાડવામાં આવી નહોતી.

કંપનીના નકારાત્મક વલણથી ત્રસ્ત થઈને લાખાભાઈએ ‘મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ’ના મંત્રી રામભાઈ મહેતાનો સંપર્ક કર્યો હતો. મંડળના માર્ગદર્શન હેઠળ ગ્રાહક અદાલતમાં કાયદેસરનો દાવો દાખલ કરવામાં આવ્યો હતો.
બંને પક્ષોની રજૂઆતો સાંભળ્યા બાદ ગ્રાહક અદાલતે કંપનીની સેવામાં ક્ષતિ ગણાવી ગ્રાહકની તરફેણમાં મહત્વનો હુકમ કર્યો છે. અદાલતે કંપનીને આદેશ આપ્યો છે કે, ગ્રાહકને સંતોષ થાય તે રીતે ઇન્વર્ટર સહિતની તમામ ખામીઓ તાત્કાલિક દૂર કરી સોલાર સિસ્ટમ યોગ્ય રીતે કાર્યરત કરી આપવી તેમજ ગ્રાહકને થયેલી હેરાનગતિ પેટે રૂ. ૫,૦૦૦/- ખર્ચના ચૂકવવા.
ગ્રાહક સુરક્ષા મંડળે અપીલ કરી છે કે જો કોઈ પણ ગ્રાહક સાથે આવી રીતે છેતરપિંડી કે સેવામાં ખામી સર્જાય, તો તેઓ મંડળનો સંપર્ક કરી શકે છે.
સંપર્ક સૂત્ર:લાલજીભાઈ મહેતા (પ્રમુખ): ૯૮૨૫૭ ૯૦૪૧૨ બળવંતભાઈ ભટ્ટ (ઉપપ્રમુખ): ૯૩૨૭૪ ૯૯૧૮૫ હિતેશભાઈ મહેતા (ઉપપ્રમુખ): ૯૯૭૯૮ ૮૩૮૮૬ રામભાઈ મહેતા (મંત્રી): ૯૯૦૪૭ ૮૮૦૪૮(મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ, મોરબી)












